આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એટલે મહાદેવને ત્યાં જ ઈ. સ. ૧૯૦૧ની સાલમાં અંગ્રેજી ભણવા બેસાડ્યા. એ વખતે મહાદેવને નવ વરસ પૂરાં થઈને દસમું ચાલતું હતું. આ શિક્ષક બહુ મહેનતુ, કર્તવ્યનિષ્ઠ પણ ક્રોધી હતા. જરા જરામાં ગુસ્સે થઈ જાય. તોફાની અને અટકચાળા વિદ્યાર્થીઓને પીલવણની સોટી મંગાવીને મારવા માંડે તે સેટી પૂરી થાય ત્યારે છોડે. પાંચછ છોકરાઓ, જેમાં મહાદેવના કાકાના દીકરા છોટુભાઈ પણ હતા, તેઓ તો પીલવણની સોટીને પણ ગાંઠતા નહીં; એટલે એમનાં તો માથાં પકડી ભીંત સાથે અફાળતા, અને ભીંત સાથે નાક ઘસાવતા. છતાં આ માસ્તર કેટલા સરળ અને પ્રેમાળ હતા તેનો એક દાખલો આપું. નાથુ નામના પોતાના એક ભાણેજને પોતાને ઘેર ભણવા રાખેલો. એને ગમે તેટલી સોટીઓ મારે પણ આંખમાંથી આંસુનું ટીપું ન પડે અથવા માં પણ કસાણું ન થાય. ભીંત સાથે માથું અફાળવાના પ્રયોગો કરી માસ્તર થાકે એટલે બરાડા પાડે : “ભણ્યો, ભણ્યો ! તારો બાપ મંદિરમાં સુખડવટો ઘસી ઘસીને મરી ગયો અને તું શું ભણવાનો !” થોડાં વરસ પછી પ્લેગ ફાટી નીકળ્યો તેમાં આ ભાણેજ ગુજરી ગયો. તે વખતે માસ્તરે જમીન પર આળોટીને નાના બાળકની માફક આક્રંદ કરેલું : “આ મારા નાથ ! મેં તને કેટલો મારેલો ! મને શી ખબર કે તું આમ મરી જવાનો !” એમને કાંઈ સંતાન ન હતાં. ઘરમાં બૈરી સાથે ખીજવાય ત્યારે પણ આવું જ નાટક કરતા. પણ બે ઘડી પછી દિલમાં કશું રાખતા નહીં. મહાદેવ તો માસ્તરની આ મારપીટ

૧૦