આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને ધાત્વર્થમાં રૂઢ અર્થ કેવી રીતે નીકળે છે તે સરસ રીતે વિદ્યાર્થીઓને શીખવ્યું. તે વખતે શાળામાં વિદ્યાથીઓની સંખ્યા વધેલી અને ત્રણે ધારણ પોતે એકલા ચલાવી શકે નહીં તેથી એક જ વર્ગને ત્રણ વરસ સુધી શીખવતા અને પહેલા ધોરણમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓ ત્રીજું ધોરણ પાસ થઈ જાય ત્યારે નવા વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં લેતા. મહિનાનો એક રૂપિયો ફી લેતા. ત્રીસથી પાંત્રીસ વિદ્યાથીઓનો એમનો વર્ગ રહેતો. એ ફીની આવકમાંથી એમનું ગુજરાન ચાલતું. ગામમાં ઘણા છોકરાઓ એમને લીધે જ અંગ્રેજી શીખવા પામેલા.

રાતે જમ્યા પછી વર્ગના વિદ્યાર્થીઓને વાંચવા માટે ઘેર બોલાવે. કલાકેક ધર્મની વાતો કરે, સંધ્યા ગોખાવે અને નથુરામ શર્માએ કરેલા તેના અર્થ સમજાવે અને ત્યાર પછી લેસન કરાવે, એ એમનો ક્રમ હતો.

ફળિયામાં એક જીવણરામ વૈદ્ય કરીને સજ્જન રહેતા. એમનાં છોકરાંઓ એમને દાજી કહેતાં. તે ઉપરથી ગામનાં બધાં છોકરાં પણ દાજી કહેતાં. આ વૈદ્ય કઈ વિદ્વત્‌-સમાગમમાં આવેલા હતા અને છોકરાઓને ધર્મ તરફ વાળવાનો તેમનો શોખ હતો. તે ગામનાં છોકરાંઓને ભેગાં કરી ઉપનિષદોની નચિકેતા, ઉપમન્યુ, ઉદ્દાલક વગેરેની વાતો મોઢેથી કહેતા.

આ ઉપરાંત ચોમાસામાં હેલી હોય ત્યારે ખેતરમાં કામે જવાય નહીં તે વખતે ઘરડેરાઓ હાથે લખેલાં રામાયણ, મહાભારત કે ભાગવત વાંચતા. ચોમાસું પૂરું

૧૨