આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવવાનું એટલે ખેતરોમાં ફરવાનું બહુ મળ્યું. જતી વખતે તા સીધા નિશાળે જતા પણ પાછા જતી વખતે ખેતરોમાં રસળતા રસળતા ઘેર જતા. અડાજણ સુરતની પાસે હોઈ ત્યાં ભાત અને જુવારનાં ખેતરોમાં વગર પીતનાં શાક લોકો કરે, તેમાં ખાસ કરીને સુરતી પાપડી. વળી નદીના ભાઠાનો લાભ પણ એને મળતો; તેમાં વેંગણ, મરચી, ચીભડાં વગેરે થતું. પ્રસિદ્ધ રાંદેરી બોરની બોરડીઓનાં ઝુંડ ને ઝુંડ રસ્તામાં આવે. ઘેરથી પડીકામાં મીઠું લેતા જાય અને કાકડી અને ચીભડાં મીઠા સાથે ખાતા ખાતા અને ફરતા ફરતા મોડા ઘેર પહોંચે. એપ્રિલ મહિનામાં સવારની નિશાળ થાય ત્યારે બોરની મોસમ હોય. નિશાળે જતી વખતે બાર વીણતા આવે તે શહેરના પોતાના દોસ્તદાર છોકરાઓને વહેંચે અને પાછા જતી વખતે બોર ખાતા ખાતા સાડા બાર એક વાગે ઘેર પહોંચે. પાપડીની મોસમમાં ગાંસડે ગાંસડા પાપડી સુરત વેચાવા જાય. મહાદેવ વગેરે ભાઈઓ ખેડૂતોને પાપડી વીણવામાં કોઈ કોઈ વાર મદદ કરતા. જ્યારે વીણવા જતા ત્યારે દસ શેર પાપડી એમને મળતી.

તાપીના પુલ ઉપર તે વખતે ટોલનું નાકું હતું. જવાઆવવાની છડા માણસ પાસેથી એક પાઈ અને પોટલાંવાળા પાસેથી બે પાઈ લેવામાં આવતી. નિશાળે જનારાઓ અને સરકારી નોકરોને ટોલનો ઈજારદાર માફી આપતો. પણ રવિવારને દિવસે કે મેળામાં આ લોકો સુરત જાય ત્યારે ટોલવાળો રોકતો. છોટુભાઈ તો પહેલેથી જ ખેપાની. તે

૧૮