આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું. ઉનાળાના દિવસ એટલે ફળિયામાં ખાટલા નાખી બધા સૂઈ રહે. પેલો છોકરો મહાદેવને બોલાવવા આવ્યો. પણ રાતે ઊઠીને જવાની મહાદેવની હિંમત ન ચાલી. મને તો ઊંઘ આવે છે, હું તો નહીં આવવાનો, એમ કહી મહાદેવે પેલા છોકરા સાથે જવાની ના પાડી. આમ હિંમતને અભાવે બચવા પામ્યા. ત્યાર બાદ લગભગ બાવીસ વર્ષે સને ૧૯૨૮માં બારડોલીચાર્યાશી તાલુકાની જમીનમહેસૂલ તપાસ કમિટી આગળ ખેડૂતોનો કેસ રજૂ કરવા મહાદેવ અને હું સાથે ફરતા અને અમારે અડાજણ ગામે પણ જવાનું થયેલું ત્યારે તે વખતની આ અને બીજી કેટલીક વાતો દુઃખ સાથે યાદ કરીને મહાદેવે કહેલું, “આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.”

૨૨