આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



લગ્ન

મહાદેવનાં લગ્ન ૧૯૦૫માં અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે થયેલાં. મહાદેવભાઈ કરતાં દુર્ગાબહેન એકાદ વરસે નાનાં છે. એમનું પિયર નવસારી પાસે કાલિયાવાડમાં. એમના પિતાશ્રી ખંડુભાઈ લલ્લુભાઈ દેસાઈ કેળવણી ખાતામાં ડેપ્યુટી ઈન્સપેક્ટર હતા. મહાદેવનું કુટુંબ કુળવાન તો ગણાય, પણ સ્થિતિ ગરીબ. ખંડુભાઈ રહ્યા કેળવણી ખાતાના એટલે શાળામાં જઈને છોકરો કેવો છે તેની તપાસ કરી. બધા શિક્ષકો એ કહ્યું કે છોકરો ભારે હોશિયાર અને સુંદર છે. દુર્ગાબહેન તો મોહિત પછી થવાનાં હતાં પણ એમના પિતાશ્રી તો મહાદેવભાઈને જોઈ ને જ મોહિત થઈ ગયા, અને આર્થિક સ્થિતિનો કશો વિચાર કર્યા વિના, ‘વરમાંથી ઘર થાય’ એ ન્યાય સ્વીકારી એમણે તો નિશ્ચય પાકો કરી નાખ્યો. ખંડુભાઈ શ્રેયઃસાધક અધિકારી વર્ગના સ્થાપક નૃસિંહાચાર્યના શિષ્ય હતા, અને એમનું કુટુંબ પણ ભગત કહેવાતું. જોકે એ સાચા અર્થમાં ભક્ત હતા. દુર્ગાબહેનનું શાળાનું ભણતર ગુજરાતી છ ચોપડી સુધીનું થયેલું, પણ નાનપણમાં જ શ્રેયઃસાધક વર્ગની ચોપડીઓ અને બીજા ભજનો પણ ઘણાં વાંચેલાં. આપણે આગળ જોઈશું કે મહાદેવભાઈમાં પણ ભક્તિના સંસ્કાર ઊંડા પડેલા હતા, એ રીતે અનાયાસે, કશી પસંદગી કરવા ગયા વિના સુયોગ્ય જોડું મળી ગયું.

૨૩