આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




મહાદેવ મૅટ્રિક ક્લાસમાં હતા ત્યારે જ પિતાશ્રીની બદલી વલસાડ થઈ. પણ છેલ્લા વર્ષમાં છોકરાઓને સ્કૂલ બદલી ન કરાવવી એ વિચારથી અડાજણનું ઘર ચાલુ રાખ્યું. એટલે સુરત હાઈસ્કૂલમાંથી જ ૧૯૦૬ની આખરમાં મહાદેવ મૅટ્રિક થયા. એ કહેવાની જરૂર નથી કે નિશાળમાં તેઓ પહેલો નંબર રાખતા અને મૅટ્રિકની પરીક્ષામાં પોતાની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં પહેલે નંબરે આવ્યા હતા. પરીક્ષા આપવા મુંબઈ જવું પડેલું. મહાદેવની ઉંમર બહુ નાની એટલે પિતાશ્રી એમને મુંબઈ મૂકવા ગયેલા. મુંબઈમાં પોતાના પિત્રાઈ બનેવીને ત્યાં ગ્રાન્ટરોડ પર ઊતરેલા, પિતાશ્રીને નોકરી રહી એટલે એ તો મૂકીને તરત પાછા ફર્યા. મહાદેવ પરીક્ષાના મંડપમાંથી ઘેર આવતા રસ્તો ભૂલી ગયા અને સડક પર ઊભા ઊભા રડવા લાગ્યા. છેવટે પોલીસે તેમને બતાવેલ સરનામે ઘેર પહોંચતા કર્યા. મહાદેવ ઘણી વાર કહેતા કે નાની ઉંમરમાં મૅટ્રિક પાસ થવું એમાં કશો મોટો ગુણ તો નથી જ પણ સર્વાંગી વિકાસની દૃષ્ટિએ ઇષ્ટ પણ નથી. હું પણ એ જ સાલમાં મૅટ્રિક પાસ થયેલો. અમે પાસ થયા એને બીજે જ વરસેથી સોળ વર્ષ પૂરા કર્યા વિના મૅટ્રિકની પરીક્ષામાં ન બેસી શકાય એવો નિયમ થયેલો.

૨૫