આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એટલે ઑફિસમાંથી લાંબી રજા લઇ હવાફેર માટે કોઈ સારી જગાએ જવાનો વિચાર કરતા હતા. એટલામાં એક શ્રીમંત કચ્છી કુટુંબ થોડા મહિના માટે દેશમાં જવાનું હતું તેના એક છોકરા માટે ટ્યૂટરની શોધ ચાલતી હતી, તેનો અને મહાદેવનો ભેટો થઇ ગયો. મહાદેવે એ લોકે સાથે સ્પષ્ટ વાત કરી લીધી કે હવાફેર એ મારો પ્રધાન ઉદ્દેશ છે એટલે છોકરાને નક્કી કરેલો વખત ભણાવવા સિવાયનો બાકીનો બધો વખત મારો પોતાનો રહેશે, તમારા વેપારધંધાને લગતું અથવા બીજું કશું કામ મને સોંપી શકાશે નહીં. એ શરતનું પાલન ચુસ્તપણે કરવાના હો તો સાથે આવું. કહેવાની જરૂર નથી કે આ શરતના પાલનનો સવાલ જ ઊભો ન થયો. મહાદેવે આખા કુટુંબનાં દિલ જીતી લીધાં અને છોકરો તો એમના ઉપર આશક થઈ ગયો.

મોરલેના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’નો અનુવાદ

ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા ત્યારે ઘણું કરીને ૧૯૧૩માં મુંબઈની ગુજરાત ફૉર્બ્સ સભા તરફથી લૉર્ડ મોરલેના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’ એ પુસ્તકનો અનુવાદ કરવા માટે રૂપિયા એક હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલું. મહાદેવ એ હરીફાઈમાં ઊતર્યા અને ત્રણ કે ચાર પાનાંનો અનુવાદ નમૂના તરીકે પરીક્ષકોને મોકલી આપ્યો. આ હરીફાઈમાં સાહિત્યના ક્ષેત્રમાં જાણીતી થયેલી અને સાક્ષર ગણાતી એવી કેટલીક વ્યક્તિઓ પણ હતી. છતાં મહાદેવનું નમૂનાનું ભાષાંતર પરીક્ષકોએ પાસ કર્યું.

૫૬