આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને તેમને એ કામ સોંપવામાં આવ્યું. સાહિત્યમાં બિલકુલ જાણીતા નહીં એવા એક નવા ગૅજ્યુએટને, બીજી જાણીતી વ્યક્તિઓ હરીફાઈમાં હતી છતાં એક ગહન ગણાતા પુસ્તકના અનુવાદ માટે પસંદ કરવામાં આવ્યા તેથી ઘણાને નવાઈ લાગેલી. ત્યાર પછી ૧૯૧૪માં સુરતમાં સાહિત્ય પરિષદ ભરાયેલી તેમાં અમે ગયેલા. અમે ફરતા હોઈએ ત્યાં મહાદેવ તરફ આંગળી કરીને કેટલાક બોલતા કે “‘કૉમ્પ્રોમાઈઝ’વાળો મહાદેવ હરિભાઈ દેસાઈ તે પેલો” એ અમારા સાંભળવામાં આવેલું. આ અનુવાદ અમદાવાદમાં વકીલાત માટે રહેલા તે વખતે તેમણે પૂરો કરેલો. પણ આશ્રમમાં દાખલ થયા પછી આખો જ ખૂબ સુધારેલો. એના આરંભનાં કેટલાંક પ્રકરણો સુધારવામાં કાકાસાહેબે પણ ઠીક મદદ કરી હતી. સને ૧૯રપમાં ‘સત્યાગ્રહની મર્યાદા’ એ નામે નવજીવન તરફથી એ પુસ્તક પ્રસિદ્ધ થયું છે.

૫૭