આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેમને મુસાફરીમાં ઘણી અગવડો વેઠવી પડતી છતાં તેમના અંગત કાગળોમાં ખેડૂતને માટે ઊંડી લાગણી અને ગ્રામજીવન પ્રત્યે સાહજિક પ્રેમ દેખાઈ આવતો. ભાઈ મહાદેવ વધારે કવિ હતા કે ફિલસૂફ તે હું કહી શકતો નથી, પણ તેમના કાગળોમાં આવતાં વર્ણનોમાં અત્યાર સુધી સુપ્ત રહેલો કવિ ચોક્કસ દેખાતો હતો. કૉલેજમાં હું તેમને સારા અભ્યાસી અને પુષ્કળ વાચનના રસવાળા તરીકે ઓળખતો પણ આ વખતના મારા પરિચયમાં તેમનામાં સાહિત્યિક કળા પ્રથમ પંક્તિની છે તે હું જોઈ શકતો. ગુજરાતી તેમ જ અંગ્રેજી બંને ભાષાઓ પર તેમનું સરખું જ પ્રભુત્વ હતું.”

એક વખત કાકાસાહેબે પૂછેલું કે તમને મરાઠી આટલું સરસ ક્યાંથી આવડે છે ? ત્યારે મહાદેવે કહેલું કે સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર તરીકે બળદગાડામાં બેસીને મહારષ્ટ્રમાં મેં ખૂબ મુસાફરી કરેલી છે. સાથેના મહારાષ્ટ્રીઓનાં ચમચીનાં પાન ખાતાં ખાતાં હું મરાઠી શીખી ગયો છું. મેં મહારાષ્ટ્રી ગ્રામવાસીઓ જોડે ખૂબ વાતો કરી છે.


    સર્વિસ કૉન્ફરન્સના પ્રમુખ તરીકેનું આપનું ભાષણ ટાઈપ કરાવી લાવવાનું મેં કહ્યું ત્યારે આપે જ કહેલું કે, ‘નરહરિએ આવા સારા અક્ષરે લખી આપ્યું છે એ મૂકીને હું ટાઈપ કરાવેલું શું કામ વાંચું ?’ ” બાપુજીએ કહ્યું કે, વાત ખરી છે. તેના અક્ષર સફાઈદાર છે અને મને ગમે છે પણ એનો મરોડ એવો કળાવાળો ન ગણાય. પછી મહાદેવે છગનલાલભાઈ ગાંધીના અક્ષર પણ સારા છે એમ કહ્યું ત્યારે બાપુજીએ જવાબ આપ્યો કે, “હા, છગનલાલના અક્ષર સારા ગણાય. પણ એ કૉપીબુક હૅન્ડરાઈટિંગ કહેવાય.”

૬૪