આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અર્જુન ભગતનાં ભજનોનું સંપાદન

એક વાર અંકલેશ્વર તાલુકાના ઘડખોલ ગામે ગયેલા. એ ગામમાં એક અર્જુન ભગત થઈ ગયો. તેનાં ભજનો લોકો પાસેથી સાંભળ્યાં. મહાદેવને એ ભજનો બહુ ભક્તિભાવવાળાં લાગ્યાં. ભગતના છોકરાઓ પાસેથી હાથે લખેલાં ભજનની ચોપડી મેળવી લીધી. છોકરાઓએ કહ્યું કે અમારી પાસે સાધન નહીં તેથી છપાવ્યાં નથી. મહાદેવે એ ભજનો સંપાદિત કરીને નવજીવન તરફથી ‘અર્જુનવાણી’ એ નામે સને ૧૯૨૫માં છપાવ્યાં છે.

તે વખતની સહકારી મંડળીઓની નબળાઈઓ પણ મહાદેવે બૅન્ક આગળ સારી રીતે ઉઘાડી પાડેલી. ઘણા શાહુકારો સહકારી મંડળીના સભ્ય થતા અને દેવું પાછું ન ભરી શકે એવા પોતાના દેણદારોને મંડળી પાસે નાણાં ધીરાવી પોતાનું લેણું વસૂલ કરી લેતા. એક સોસાયટીના સેક્રેટરીએ તો સોસાયટીના પૈસા ઉચાપત પણ કરેલા. મહાદેવે ધમકાવીને એની પાસે પૈસા ભરાવી દીધા. મહાદેવને ઈન્સ્પેક્ટર તરીકે જુદાં જુદાં ગામે ફરવાનું થતું તે માટે તેઓ સાથે એક માણસ રાખતા અને પોતાની રસોઈ કરી લેવાનાં બધાં સાધન રાખતા. કોઈ જગ્યાએ ધર્મશાળામાં કે એવા જાહેર સ્થળમાં ઊતરવાનું ન મળે ત્યારે જ સોસાયટીના સેક્રેટરીને ત્યાં તેઓ રહેતા. તે પ્રમાણે એક સેક્રેટરીને ત્યાં મહાદેવ રાત્રે સૂઈ રહેલા. તેનું હૃદયદ્રાવક વર્ણન એક દિવસ મારી આગળ કરેલું. પેલો સેક્રેટરી દારૂથી ચકચૂર થઈ ઘેર આવ્યો અને આખી રાત સ્ત્રીને હેરાન

૬૫