આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૫
બાપુજી સાથેનો પહેલો પ્રસંગ

બાપુના પ્રસંગમાં કેવી રીતે આવ્યા તે મુદ્દા પર હવે જઈએ. ૧૯૧૫ના એપ્રિલમાં બાપુજીએ અમદાવાદ આવી કોચરબ પાસે ભાડાના બંગલામાં આશ્રમની શરૂઆત કરી. થોડા વખત પછી આશ્રમના ઉદ્દેશ તથા નિયમાવલિનો એક મુસદ્દો તેમણે બહાર પાડ્યો અને આશ્રમના નામ વિષે તથા તેની નિયમાવલિ વિષે આખા દેશમાંથી મિત્રોના અભિપ્રાય તેમ જ ટીકા માગ્યાં. એ મુસદ્દાની થોડી નકલો ગુજરાત ક્લબના ટેબલ ઉપર પણ આવી હતી. તેમાંથી એક લઈ અમે વાંચી અને તેના ઉપર ટીકા લખી મોકલવાનો અમે વિચાર કર્યો. પહેલાં તો અમે બંનેએ સ્વતંત્ર રીતે લખ્યું અને પછી અમારા બંનેના લખાણમાંથી એક સંયુક્ત કાગળ તૈયાર કર્યો અને તે બાપુજીને મોકલી આપ્યો. તેનો લેખી જવાબ આપવાની તસદી ન લેતાં યોગ્ય લાગે તો અમને રૂબરું બોલાવવાની વિનંતી અમે કરી હતી. એ કાગળની નકલ તો અત્યારે મારી પાસે નથી પણ ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષ પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાને ભય છે એવી એવી ટીકાઓ લખી અમારું પુસ્તક પાંડિત્ય અને ઠાલવ્યું હતું. પાંચ છ દિવસ જવાબ ન આવ્યો એટલે અમે માન્યું કે ગાંધીજીને અમારો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.

૬૮