આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેનો દિવસ શાળાના મંગળમૂહુર્ત માટે નક્કી કર્યો. બે દિવસ અગાઉ જ તેમને મેં કહ્યું કે બાપુજીની સંમતિ મળી જાય તો હું પણ શાળામાં જોડાવા તૈયાર છું. મગનલાલભાઈ ગાંધીએ કહ્યું કે બાપુજીની સંમતિ છે જ એમ તમે માની લો.

મેં આ નિર્ણય તત્કાળ જ કરી લીધેલો. મારાં કુટુંબીજનોને કે સ્નેહીસંબંધીઓને પૂછેલું કરેલું નહીં. પૂછવા જાઉં તો સંમતિ ન મળે એવી મારી ખાતરી હતી. મારા નિર્ણયની જાણ થઈ ત્યારે મારા કુટુંબમાં ભારે ખળભળાટ થયો. સ્નેહીઓ તથા કેટલાક વકીલો જેઓ મુરબ્બી તરીકે મારામાં રસ લેતા તેમને પણ લાગ્યું કે આણે આપણી સલાહ પણ ન પૂછી ! એક સબ-જજે તો મને મળી જવાનો સંદેશ પણ મોકલ્યો. તેઓ મને સમજાવીને મારો નિર્ણય ફેરવાવવા ઇચ્છતા હતા. ફક્ત એક દાદાસાહેબ માવળંકર આ વાત સાંભળી મને અભિનંદન આપવા આશ્રમમાં આવેલા. મહાદેવ અને હું તો ઘણા વખતથી આવા વિચાર સેવતા જ હતા. પણ છેવટનો નિર્ણય મેં તો અચાનક જ કરી નાખેલો એટલે તેઓ હર્ષિત થયા અને પહેલી તકે મને મળવા આશ્રમમાં આવ્યા.

મહાદેવના અંગ્રેજીએ બાપુજીનું ધ્યાન ખેંચ્યું

તેઓ આવ્યા તે વખતે બાપુ પણ આશ્રમમાં હતા. બાપુજીએ સત્યાગ્રહનું સ્વરૂપ સમજાવનારી એક પત્રિકા ગુજરાતીમાં લખી હતી. તેનું અંગ્રેજી કરવાનું કામ તેમણે અમને શિક્ષકોને સોંપ્યું. અંગ્રેજી ભાષાની બાપુજીની

૭૬