આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજથી બાર વર્ષ અગાઉ એમણે આ ખંડચરિત્ર લખીને દેશને કરાવ્યું. આ પ્રકાશન એની જ નવી આવૃત્તિ છે.

કાળને સંસારનો ધન્વંતરી કહ્યો છે. કાળા માથાના માનવીને કિરતારની એ શ્રેષ્ઠ દેણ છે. કાળની ગાંઠે વિસ્મૃતિની જડીબુટી છે, જેની મદદથી એ માનવી અંતરના વસમામાં વસમા વિયોગને સહ્ય કરી દે છે; ને એના ઊંડામાં ઘા રૂઝવે છે. પણ આ નાનકડા ચરિત્રને છેડે ભાઈ મહાદેવની દૈવી સંપતની સ્વ. મશરૂવાળાએ ગણાવેલી જે પેલી ટીપ ટાંકવાનું ઔચિત્ય સ્વ. નરહરિભાઈએ દાખવ્યું છે તે યાદી કાળના પ્રવાહ જોડે વિસ્મૃતિની ગર્તમાં ગરક થાય એવી નથી. એ તો સંસારની તેમ જ કાળની ગતિવિધિથી નિરપેક્ષ રહીને કોઈ દેવમંદિરના ગર્ભાગાર હેઠળ ઊંડાણે બળતા અખંડ દીપની જેમ અસંખ્ય નવાં નવાં નવલોહિયાં માનવીઓનાં અંતરને સદાય ઉજાળશે.

ક્રોસબાડ હિલ,જિ. થાણા
તા. ૧૫ મી ફેબ્રુઆરી, ૧૯૬૨
સ્વામી આનંદ