આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મન બહુ દુભાય છે તેથી ખૂબ ઈચ્છા હોવા છતાં આપની સાથે જોડાઈ શકતો નથી. આ પ્રમાણે તાર કર્યો તો ખરો, પણ તાર મોકલ્યા પછી મહાદેવની દુઃખી હાલત પિતાશ્રીથી જોઈ ગઈ નહીં, એટલે એમણે આશીર્વાદ સાથે રજા આપી. એટલે ત્રીજે દિવસે ફરી તાર આવ્યો કે : પિતાશ્રીના આશીર્વાદ મેળવ્યા છે અને આવું છું. હું એમને સ્ટેશન ઉપર લેવા જતો હતો ત્યારે બાપુજી મને કહે : ‘નરહરિ, ફરી પાછો તાર આવે કે નથી આવતો તો કેવી મઝા થાય ?’ મેં જવાબ આપ્યો કે : ના, આજે તો મહાદેવ જરૂર આવશે. તે દિવસે મહાદેવ અને દુર્ગાબહેન આવ્યાં અને ત્યારથી મહાદેવનો દેહાંત થયો ત્યાં સુધી બાપુજીમાં લીન થઈ જઈને એ રહ્યા. એમને તો એમાં એ જાતના જીવનસાફલ્યનો આનંદ અને સંતોષ હતો. પણ દુર્ગાબહેનનું શું ? એમને જોકે દુનિયાના મોજશોખ અને વૈભવની લોલુપતા નહોતી. આ નવા જીવનમાં પણ હમેશાં મહાદેવની સાથે રહેવાનું મળે તો એથી વધારે કશું એમને જોઈતું નહોતું. પણ મહાદેવને તો કાયમ બાપુ સાથે ફર્યા કરવાનું. સાથે લઈ જઈ શકાય એમ હોય ત્યાં તો બાપુજી દુર્ગાબહેનને સાથે લઈ જતા પણ એવું બહુ ઓછું બનતું. ચંપારણમાં મોતીહારીમાં અમે બધાં થોડો વખત સાથે રહ્યાં પછી મહાદેવ બાપુજીની સાથે કલકત્તાની કૉંગ્રેસમાં ગયા. હું અને મારી પત્ની પહેલેથી નક્કી થયા પ્રમાણે એક ગામડામાં શાળા ચલાવવા અને ગામસફાઈનું કામ કરવા ગયાં. આનંદીબાઈ નામનાં એક કાર્યકર્તા બહેન સાથે શાળાનું અને બીજું કામ કરવા દુર્ગાબહેન બીજા એક

૮૬