આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગામડામાં ગયાં. ત્યારથી જ મહાદેવથી વિખૂટા રહેવાની શરૂઆત થઈ. સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટરનું કામ, સતત ફરતા રહેવાને અને ગૃહજીવન ન ગાળી શકવાને કારણે તો કંટાળીને મહાદેવે છોડી દીધું હતું. આ કામ જુદું, બહુ ઊંચી જાતનું, જીવનના અનન્ય અને દુર્લભ લહાવાનું હતું પણ ગૃહજીવન તથા દુર્ગાબહેનની દૃષ્ટિએ તો સ્થિતિ એના જેવી જ હતી. ચંપારણથી સાબરમતી આવ્યાં ત્યારે પણ બાપુ જ્યારે આશ્રમમાં આવે ત્યારે મહાદેવભાઈ આવે. વળી જ્યારે આવે ત્યારે સાથે મહેમાનો તો હોય જ. એ બધા આવ્યા હોય બાપુની સાથે, પણ એમને રહેવાનું ગમે મહાદેવની સાથે. આમ ગૃહસ્થાશ્રમનો આતિથ્યધર્મ બજાવવાનો લાભ દુર્ગાબહેનને મળતો અને તે સહર્ષ બહુ સારી રીતે બજાવતાં, પણ પતિના સાહચર્યથી તો તેમને વંચિત જ રહેવું પડતું. કવિ નાનાલાલના કાવ્યની નીચેની પંક્તિઓ તેમને ખરેખરી લાગુ પડતી અને દુર્ગાબહેન એ ઘણી વાર ગાતાં પણ :

પાનાં પ્રારબ્ધનાં ફેરવું ને
માંહી આવે વિયોગની વાત જો,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

આમ એમનું દાંપત્યજીવન કઠોર તપશ્ચર્યામય બની ગયું.

૮૭