આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૦
સારવાર કરનાર અને દરદી તરીકે

અમે આશ્રમમાં દાખલ થયા એને બીજે વર્ષે અમદાવાદમાં ભારે ઈન્ફ્‌લુએન્ઝા ચાલ્યો. શહેરમાં મારા ઘરનાં બધાં માણસો એમાં સપડાયેલાં હતાં. હું અને મારી પત્ની એમની સારવાર કરવા ઘેર ગયાં. ત્યાં પત્ની પણ પટકાઈ. એટલે હું એકલો રહ્યો. ઘરમાંથી જેમ જેમ સાજાં થાય તેમ તેમ એને હું આશ્રમમાં મોકલી આપતો અને આશ્રમમાં મહાદેવ તથા દુર્ગાબહેન એમને સંભાળતાં. મારા મોટાભાઈની એક દીકરી તો ગુજરી પણ ગઈ અને મોટાભાઈને ઈન્ફ્‌લુએન્ઝામાંથી ન્યૂમોનિયા થયો. બાપુજીએ કહેવડાવ્યું કે, તું હવે એમને લઈને આશ્રમમાં આવી જા. મારે કહેવું જોઈએ કે મોટાભાઈની શુશ્રૂષા મારા કરતાં પણ મહાદેવે વધારે સારી કરી. દરદીને રીઝવવાની અને આનંદમાં રાખવાની અલૌકિક કળા તેમનામાં હતી.

મહાદેવભાઈ પ્રેમપૂર્વક સારવાર કરવા હમેશાં તત્પર રહેતા. આશ્રમમાં તેમ જ બીજા મિત્રમંડળમાં તેમની પ્રેમમય શુશ્રૂષાનો અનુભવ ઘણાને થયો છે. મારી કે કિશોરલાલભાઈ જેવાની શુશ્રૂષા તેઓ બહુ પ્રેમથી કરે એમાં કંઈ નવાઈ ન કહેવાય. પણ તેમના શુશ્રૂષાના પ્રદેશને એવી કશી મર્યાદા નહોતી. એક વાર મહાદેવભાઈ અને રામદાસભાઈ ગાંધી નવજીવનમાંથી ઘોડાગાડીમાં આશ્રમમાં

૮૮