પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મળે છે.” બાપુ કહે : “ આરામ તો ટેવ પડશે એટલે મળશે, ન મળે તોયે એ ખોટનો વેપાર નથી, કારણ જમણો હાથ કોક વાર છેક ખોટકી પડે. તો આ ટેવ પડેલી સારી છે ! ”

આજે મેજર મહેતાએ બાપુની કોણી ઉપર વીજળીથી ચંપી આપવાના ઈલાજ કર્યો.

મેજર માર્ટિન રજા ઉપર ગયો તે પોતાના ઘરના વધેલા શીશા અહીં ની ઇસ્પિતાલને માટે મોકલતો ગયો. બાપુએ આ વાત જાણી એટલે કહે : “ જુઓની, એને જેલીઓનો એટલો વિચાર છેને ! આ લોકો એવા છે કે પોતાનો સ્વાર્થ જ્યાં ન આવતો હોય તેવી બધી બાબતોમાં સીધા અને પોતાનું કર્તવ્ય સમજનારા છે.”

ગરીબી - દારિદ્ર્યનું હેનરી જજનું વર્ણન કેવું સોંસરું પેસી જાય તેવું છે ? Poverty is the open-mouthed, relentless hell which yawns beneath civilized society. ગરીબી એ સુધરેલા સમાજને તળિયે મોં ફાડીને ઊભેલુ નિષ્ઠુર નરક છે.

१८-४-'३२ આજે બાપુએ યરવડા ચક્રના મોઢિયામાં ફેરફાર કર્યા. કાલના રેંટિયાની ધરીઓ બરાબર નહોતી તેને લીધે પોતાનો જ રેટિયો ઠીક કર્યો; અને ડાબા હાથનો પ્રયોગ ચાલુ રાખ્યો. પરિણામ કાલના કરતાં સારું હતું. કાલે ૯૫ તાર કરતાં ૩ા કલાક લાગ્યા હતા, આજે ૮૫ તાર અઢી કલાકમાં નીકળ્યા. વલભભાઈ કહે : “ આમાં કાંઈ ફાયદો ન થાય. પાકી કાઠીએ કાના ન ચઢે. આપણું જૂનું ચાલતું'તું તેમ ચાલવા દોની. ” બાપુ કહે : “ કાલના કરતાં આજે પ્રગતિ સારી થઈ છે. એની કોઈ ના પાડી શકે તેમ નથી." વલ્લભભાઈ કહે : “ એ તો આશ્રમમાં કોઈ જાણશે તો ડાબા હાથે કાંતવાનું શરૂ કરી દેશે, અને એ પંથ ચાલશે.” બાપુ : " એ તો જાણવાના જ, આ વખતે લખીશ.” વલ્લભભાઈ જરા ગંભીર થઈને : “ આના કરતાં તો બાળકોને જ બંને હાથે રેટિયા ચલાવતાં શીખવ્યા હોય તે સારું.” બાપુ કહે : “ સાચી વાત. જપાનમાં તો બાળકોને બંને હાથ વાપરવાનું શીખવવામાં આવે છે જ.”

નારણદાસભાઈને કાગળ લખ્યો. તેમાં પ્ર્યોગની ઉત્પત્તિ વર્ણવી. અને તે ઉપરથી ઊપજતા વિચારો જણાવ્યા. અને આશ્રમમાં જેનાથી થઈ શકે તેને ડાબા જમણા બંને હાથ રોજની અનેક ક્રિયા માટે વાપરવાની ભલામણ કરી.

* **
૧૦૪