આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કારણ ઊંધની ભૂખ હજી મટતી નથી. " એટલે મેં કહ્યું : " ત્યારે તો અહી આવ્યા એ ઈશ્વરકૃપા કહેવાય ! " બાપુ કહે : " જરૂર. એ કરતાં બીજા કારણોએ પણ હું બહાર રહીને શું કરી શકત ? હિંદુમુસલમાનનો સવાલ, સરહદ પ્રાંતના સવાલ એ બધા વિકટ હતા. લાલ ખમીસવાળા લશ્કરનું શું કરત ? હવે જે સાચા કોંગ્રેસવાદી છે તે જુદા તરી આવશે અને બીજા હશે તે જુદા પડી જશે. એવા સંભવ છે કે આપણે છૂટશું ત્યારે ભગવાને આખી સ્થિતિ બહુ અનુકૂળ કરી મૂકી હશે."

. . . ની મતાધિકાર કમિટી આગળ જુબાની વાંચીને આજે બાપુ કહે : " એ તો તદ્દન વેચાઈ ગયેલ હોય એમ જ બોલે છે. પ્રૌઢ મતાધિકારની વિરુદ્ધ બોલે એને હવે શું કહીએ ? "

१८-३-'३२ આજે માર્ટિનને આપેલા અલ્ટીમેટમનો જવાબ આપવા સુપરિન્ટેન્ડન્ટ સાહેબ આવ્યા-લગભગ બાર વાગ્યે. ત્યાં બાપુ આજનું સાયં કાળનું ખાવાનું છોડવાની નોટિસનો કાગળ લખવાનો વિચાર કરી રહ્યા હતા ! મેજરે ખબર આપી કે તમને દર ૫ખવાડિયે ત્રણ કેદીને મળવાની છૂટ આજે આવી ગઈ છે. જેલની શિસ્ત ન ચર્ચાય, પોલિટિકસ ન ચર્ચાય, બીજા કેદીએની ખબર ન ચર્ચાય, ૨૦ મિનિટની જ મુલાકાત હોય, વગેરે શરતો પણ સાથે છે ! સાથે એ શરત પણ હતી કે બાપુએ એ લોકોને ઓફિસમાં મળવા આવવું, કે જેથી સરદાર અને મહાદેવ એ લોકોની સાથે વાત ન કરી શકે ! આ બધું પોસાય એમ નહોતું. પણ બાપુ કહે આની સામે નથી લડવું. એમણે તો હરિદાસ, નરસિંહભાઈ અને છગનલાલ જોષીને મળવાની માગણી કરી. પછી યાદ આવ્યું કે સ્ત્રીઓને મળવા બોલાવવી જોઈએ. એટલે ગંગાબહેનની માગણી કરી. ગંગાબહેનની માગણીથી મેજર ભડકયા. પાછા આવ્યા. સ્ત્રીઓને એમની જેલમાંથી કાઢવાનો હુકમ નથી, અને તમને મળવા કેમ લઈ જઈ શકાશે વગેરે વાતો કરી અને આખરે ઇન્સ્પેકટર જનરલને પાછું લખવાનું કહીને ગયા.

બહારના માણસોને મળવાનો આગ્રહ ન રાખી શકાય, એ વિષે બાપુ સ્પષ્ટ વિચાર ધરાવે છે. જેલમાં આવવું અને બહારનાને મળવાની લલુતા રાખવી એને કશો અર્થ નથી. પણ જેલી ભાઈઓની સ્થિતિની ખબર રાખવાનો જેટલો અધિકાર છે, એટલું જ કર્તવ્ય છે. અને એ માટે આગ્રહ ન જ છોડી શકાય. આ તત્વને અનુસરીને જ આજ સુધીનાં પગલાં લેવાયાં છે.

* **
૨૩