આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬ ખાદીના તાકા.” કેટલું ચોક્કસ ચિત્ર ! – કે જેથી વાચક ભોળવાય અને માને કે સાચે જ સાચું ! આમાં અથથી ઇતિ સુધી એકે વાત સાચી ન મળે !

આજે બાપુની એક વાતથી ચોંક્ચા - વલ્લભભાઈ અને હું બંને. બાપુ કહેતા હતા કે થાક હજી ઊતરતો નથી, શરીરમાં જે સ્ફૂર્તિની આશા રાખું તે લાગતી નથી. એટલે વલ્લભભાઈ કહે : “ખજૂર ખાવાનું છોડ્યું? એટલે, તમે બરાબર ખાતા નથી. ખજૂર મંગાવીએ, ફળ મંગાવીએ. ખાધા વિના શી રીતે સ્ફૂર્તિ આવે ? " ” બાપુ કહે : " તમને સાચું કહું ? મને તો એમ થયાં કરે છે કે દશવીસ ઉપવાસ કરી નાખું તો કેવું સારું ? અને તેમાં આ સ્ત્રીઓનો કિસ્સો ઊભો થયો ત્યારે મને થયું કે આ ઠીક લાગ આવ્યો છે. ત્યાં તો એ પ્રકરણ પતી ગયું ! બાકી મને જરૂર લાગે છે કે એટલા ઉપવાસ કરું તો પાછી શરીરમાં નવી સ્ફૂર્તિ આવી જાય ! " આમ ઉપવાસ કરવાનો લાગ આવે તેને બાપુ વધાવી લે એટલે કોક વાર ઉપવાસ કરવાની તીવ્ર ઇચ્છાને લીધે ઉપવાસના સંજોગ ન છતાં ઉપવાસ કરી નાખે એવું જ બને. હું તે ખરેખર ધ્રૂજી જ ગયો. મેં મારો ડર બાપુની આગળ મૂક્યો નહીં.

२५-३-'३२ કાકા, પ્રભુદાસ અને જમનાલાલજીની તબિયત વિષે ખબર કઢાવવાને આઈ. જી. પી. ને લખ્યું, અને કેદીઓની સાથે પત્રવ્યવહાર કરવાની રજા માગનારા કાગળ પણ એને લખ્યા.

અમારા કૂકરની દાળ બળી ગઈ એટલે બાપુ કહે એનાં કારણો શોધો. પાણી ઓછું હતું એ તો સ્પષ્ટ છે જ, પણ પછી બાપુએ એમના સ્વભાવ પ્રમાણે એની રચના વિષે સવાલ કર્યા. પોતે જ એક કૂકર ૧૯૩૦માં અહીં બનાવરાવ્યો હતો એમ એમણે કહ્યું.- પણ એ તો કોક ઉપાડી ગયું. પછી મારા કૂકરની રચના જોઈ ને કહે : “ નીચેના દાળના વાસણમાં દાળ મૂકવાને બદલે એકલું પાણી જ મૂકો અને દાળ ઉપલા વાસણથી શરૂ કરો એટલે ત્રણ વાસણનો ઉપયોગ કરવાને બદલે ચારનો ઉપયોગ કરો, અને સૌથી નીચેનાની વરાળે બધું પકાવો." વલ્લભભાઈ કહે : " એટલે મને સારી દાળ મળતાં ચારપાંચ દિવસ તો આ અખતરાઓમાં વીતી જશે." મને બાપુની સૂચના સુંદર લાગે છે અને હું અખતરો કરવાના ઈરાદો રાખું છું.

* **
૩૬