આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

attention and belief. રેંટિયાની વાત એટલી બધી સાદી છે કે લોકોનું ધ્યાન અને શ્રદ્ધા તે આકર્ષી શકે નહીં.

કોણ જાણે કેમ, મહેરબાબાની વાત ચાલી. બાપુ કહે : " એ જબરો માણસ છે. એ કોઈને શોધવા નથી જતો પણ એની પાસે માણસો ચાલ્યા આવે છે, પૈસા ચાલ્યા આવે છે. વિલાયતથી સ્ટારે બોલાવ્યા એટલે ગયો. અમેરિકાથી અનેક ધનાઢ્યોએ એને બોલાવ્યો એટલે ગયો. અને શા માટે એની અસર ન પડે ? સાત વર્ષ થયાં મૌન, અને છતાં કોઈ ગાંડો નથી, એટલી વાત જ લોકોને આકર્ષવાને પૂરતી છે."

મેં કહ્યું : " એમણે પોતાનું પુસ્તક વાંચવા આપેલું તે તમને કેવું લાગેલું ? " બાપુ : " એમાં અસાધારણતા કશીયે નહોતી. અને અંગ્રેજીમાં લખેલું. એના શિષ્યે એના વિચારો નોંધેલા એટલે ગરબડગોટા જેવું હતું. મેં એમને સૂચના કરી કે તમારે લખવું હોય તો ગુજરાતીમાં લખો અથવા તમારી માદરી જબાન ફારસીમાં લખો. શા માટે આપણે પારકી ભાષામાં લખવું ? એને એ સૂચના ગમી."

મેં કહ્યું : " એની મુખમુદ્રા ઉપર એક પ્રકારની પ્રસન્નતા છે."

બાપુ કહે : " હા, છે જ. અને એનો દાવો પણ છે કે એને સદૈવ આનદ આનંદ છે. એને સાક્ષાત્કાર થયો છે એમ એ માને છે. બાળબ્રહ્મચારી છે, એને વિકાર થતા નથી એમ એ કહે છે, અને મને એ સાચો માણસ લાગ્યો છે. એનામાં આડંબર તે નથી જ."

આજે સવારે સ્ટોક્સનું પુસ્તક વાંચતાં એકાએક કહે : " તમારી પાસે ઈશોપનિષદ છે. એના ૧૮ મંત્રોમાં બધું જ ઠાલવી દીધેલું છે અથવા એક પહેલા જ મંત્રમાં. એ વારંવાર વાંચવાનું મન થાય છે. બધા શ્લોકો ગોખી નાખવાનું મન થાય છે.”

હું : " મારા પિતાએ મને બાળપણમાં એ ગોખાવેલું. નથુરામ શર્માની ચોપડીમાંથી એ વાંચતા. મારા કાકા એમના શિષ્ય હતા."

બાપુ : " નથુરામની એ ચોપડી સરસ છે. ભાષાન્તર એનું વાંચવાનું ગમે એવું છે. નથુરામની અસર કાંઈ જેવી તેવી નહોતી.”

હું : " એક સમયે સવારસાંજ સંધ્યા કર્યા વિના અમને ખાવાનું ન મળતું. એવા કડક મારા કાકાનો નિયમ હતો.”

બાપુ : “ હા, એનામાં ઘણુંયે સારું હતું, પાછળથી આડંબર વધી ગયા અને કામ બગડ્યું. મેં તો બધાં ઉપનિષદનું ભાષાન્તર પ્રથમ એમનું જ વાંચેલું, અને તે સરસ લાગેલું."

૩૯