આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

२२-३-'३२ આજે કેડલ કમિશનર આવ્યો હતો. ' મહાદેવરાવ ' દેસાઈની ખબર પૂછી હતી. પણ હું શૌચ ગયો હતો. બાપુને હે કે " આ વખતે લડાઈમાં સરકાર અને લેાકો બન્ને તરફથી કડવાશ નથી. એટલે મારે લોકોને credit (જશ) આપવો જોઈએ. " બાપુએ કહેલું : " You may keep the credit and let us have the cash – એ 'જશ ' તમે રાખો અને નગદ અમને આપે. " પછી કહે : " અહીં મારા વિભાગમાં તો મહાત્માને ૯૫ ટકા માણસ નથી ઓળખતા, પણ મને ઓળખે છે ! " આ માણસ બાપુને ગોધરાના દિવસથી ઓળખે છે, મુંબઈમાં પણ મળ્યો હતો. આ અભિપ્રાય આપતાં એને વિવેકમાં પણ ખામી આવતી નહી' લાગી હોય ! એટલામાં હું આવ્યો. મને કહે : “ તમને ગાંધીજીની સંભાળ રાખવા સરકારે મૂક્યા છે.” મે કહ્યું : “ હું એમની સંભાળ રાખું છું કે એ મારી રાખે છે એ કહેવું મુશ્કેલ છે.” પછી કહે : “ તમારા જેવાં ત્રણ ઉત્તમ ભેજાંને સરકારે સાથે રાખ્યાં એ બતાવે છે કે સરકારને તમારે વિષે કેટલો વિશ્વાસ હશે !”

આજે મીરાબહેનના બે અઠવાડિયાંના કાગળો આવ્યા. વડાની પાસે આની ઉઘરાણી તો થયેલી હતી જ. પણ એણે જણાવેલું નહીં કે આ કાગળો આવ્યા હતા. આ બાપુને બહુ ખરાબ લાગ્યું. એટલે બાપુએ ડાહ્યાભાઈની મુલાકાત થઈ રહ્યા પછી કહ્યું : “ મારાથી બધું સહન થશે પણ તમે મને છેતરો તે નહી’ સહન થાય. તમે પ્રામાણિક રહેશો તો તમારી આગળ બકરી જેવો રહીશ. તમે એમ કહેશો અમુક ખબર ન આપી શકાય તે ચાલશે, પણ જૂઠાણું કે છેતરપિંડી મારાથી ન સહન થાય.” એ સડક થઈ ગયા અને બાપુને આશ્વાસન આપ્યું કે એવું નથી અને કદી થશે નહીં,

The Living Church (ધી લિવિંગ ચર્ચ) નામના એક અમેરિકન સાપ્તાહિકમાં What is Gandhi's religion ? ( ગાંધીનો ધર્મ શું છે ? ) નામનો એક બહુ મહત્ત્વનો લેખ આવ્યો. અમેરિકાથી જ કોકે એ મોકલ્યો છે. એ લેખ બતાવે છે કે બાપુની અસર ખ્રિસ્તી મંડળામાં એટલી બધી થવા લાગી છે કે ખ્રિસ્તી પ્રચારકો ગભરાયા છે. આ લેખક રેવરન્ડ મૂડી બહુ શક્તિવાળો લાગે છે. આઠ વર્ષ થયાં બાપુને વિષેનું બધું સાહિત્ય વાંચતો રહ્યો છે. આખો લેખ બાપુને ખ્રિસ્તી અને ઈશુ ખ્રિસ્તના જેવા અને આધુનિક જમાનાના ઈશુ કહેનારા ખ્રિસ્તીઓ ઉપર સખ્ત ટીકા રૂપે છે. એમાં કેટલીક ટીકા બહુ સચોટ છે.

૪૦