આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



हरि ૐ श्री सद्गुरवे नम: ।

૧૦-૨-૩૨ સ્વપ્ને પણ આ દિવસ મારા નસીબમાં હશે એવા ખ્યાલ નહોતો.

હા, એક દિવસ નાશિકમાં એવું સ્વપ્નુ આવેલું ખરું કે હું યરવડામાં છું. એકાએક બાપુ પાસે મને લઈ જવામાં આવ્યો અને બાપુના પગે પડી મેં રોવા માંડયું, તે કેમે કરી આંસુ ખાળ્યા ખળાય જ નહીં. રોચે સવારમાં આવીને કહ્યું કે “ચાલો તમારી બદલી થઈ છે. એક કલાકમાં તૈયાર થાઓ.” મેં પૂછ્યું : “ક્યાં ? ” તો કહે : “તું જાણીને ખુશ થશે અને મને ધન્યવાદ દેશે. પણ મારાથી કહેવાય એમ નથી." મેં ડોક્ટર ચંદુલાલને મળવાની માગણી કરી, પણ રજા ન મળી. નવ વાગ્યે નાશિકથી બેઠા. મારી સાથે જે પોલીસ હતા તે જ વિઠ્ઠલભાઈને થોડા દિવસ ઉપર અહીં મૂકી ગયા હતા. એમાંના એક પોલીસનું જૂનું એાળખાણ. લૉર્ડ રેડિંગને બાપુ મળવા ગયા ત્યારે – તારીખ પણ એ માણસને યાદ હતી: ૧૭મી જૂન '૨૦ - એ સર ચાર્લ્સ ઈન્સનો બટલર હતો. પછી યૂબેન્ક, રા. સા. ગુણવંતરાય દેસાઈ વગેરે સાથે રહીને પોલીસમાં જોડાયો ! એણે મને સીમલામાં જોયેલો. વિદ્યુલભાઈ ને ત્યાં પણ જોયેલો. એની યાદશક્તિ પણ ખરી !

જ્યારે અકબરઅલીએ સાબરમતીમાં ભેટીને આંખ ભીની કરી, અને પોતાની કોટડીમાં બંધ થઈને કહ્યું : “મારી દુવા છે કે તમને ગાંધીજી સાથે રાખશે” ત્યારે મને થયેલું : “તારી દુવા તો હોય, પણ મારું નસીબ કયાંથી લાવું?” એણે કહેલું:“ લેકિન ફિર ભી મેરી દુવા હૈ.” અકબરઅલીને વિષે કેવું કેવું સાંભળેલું? પણ એણે મહબ્બત બતાવવામાં બાકી ન રાખી, અને એની દુવા જ ફળી !

અમે માર્ટિનની સાથે ગોઠવણ કરી આવ્યા છીએ એમ બધાને પ્યારેલાલે તે નાશિકમાં કહેલું. એ પણ મને ગપ્પુ લાગેલું. એયે સાચી વાત.