આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરવાજા ઉપર જરા કડવો આવકાર મળેલો એટલે ધારેલું કે મારી નાશિકથી પેલાએ ટાઢે પાણીએ ખસ કાઢવા બદલી કરી લાગે છે, અને બાપુનાં દર્શન નથી જ થવાનાં. ત્યાં તો કટેલી હસતા હસતા આવ્યા, અને કહે કે ચાલો મારી સાથે. અમને આજે જ ચાર વાગ્યે ખબર મળ્યા છે કે તમને અમારે મહાત્માજી સાથે રાખવાના છે ! બાપુના ચરણ ઉપર માથું મૂકયું ત્યારે બાપુનેયે આશ્ચર્ય થયું. વાંસા ઉપર, માથા ઉપર, ગાલ ઉપર ખૂબ થપાડો મારી. આટલું વહાલ બાપુએ કદી કર્યું નથી. હું કૃતજ્ઞતામાં અને મારી અયોગ્યતાના ભાનમાં ડૂબી ગયો. બાપુની અને સરદારની પાસેથી જાણ્યું કે મને અહીં લાવવામાં સર પુરુષોત્તમદાસનો પણ હાથ છે. ડાહ્યાભાઈ તો ગઈ વખતે કહી ગયેલા કે . . .એ કરવાનું કરી દીધું છે.

પરચૂરણ વાતો અને ખબર પૂછ્યા પછી બાપુ કહે : “ તમે ટાંકણે જ આવ્યા છો. વલ્લભભાઈની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એમને સૂઝ જ નથી પડતી. એમણે તને કહ્યું કે નહીં ? ” વલ્લભભાઈ કહે : “ એને ખાવા તો દો. પછી વાત કરીએ." વલ્લભભાઈ એ મારે માટે ખાવાનું મૂક્યું. બાપુ અને પોતે તો ખાઈને બેઠા હતા. રોટી, માખણ, દહીં અને બાફેલાં શકરિયાં હતાં. ખાઈ રહ્યો એટલે બાપુએ વાત શરૂ કરી. શરૂ કરવાને બદલે સેમ્યુઅલ હોરને લખેલો કાગળ મને વાંચવાને આપ્યો. હું વાંચી ગયો. મને પૂછ્યું : “ કેમ લાગે છે ?' મેં કહ્યું : “ મને આખી દલીલ શુદ્ધ લાગે છે. દમનનીતિને વિષે તો મને અગાઉ કેટલીયે વાર થયું છે કે કોક દિવસ બાપુનો પ્રકોપ આવું રૂપ લે તો આશ્ચર્ય નહીં. આમાં વલ્લભભાઈને શા વાંધો છે ? એમને તો એ હશે કે આવું પગલું આપ લો તેમાં એઓ મહાસભાના પ્રમુખ તરીકે સંમતિ કેમ આપી શકે ? ” બાપુ કહે : “ ના. એ સવાલ તો એમને નથી ઊઠ્યો. સાથી તરીકે સંમતિ કેમ આપે એ સવાલ છે. પણ મેં વલ્લભભાઈને ધાર્મિક રીતે વિચાર કરતા કલ્પ્યા નથી. એમણે તો રાજદ્વારી રીતે જ વિચાર કર્યો, અને એ બરાબર છે. મારા અને વલ્લભભાઈના સંબંધ પણ ધાર્મિક ન કહેવાય. જ્યારે તમારી સાથેના સંબંધ ધાર્મિક કહેવાય. વલભભાઈની મુશ્કેલી તે એ છે કે “ આનો અર્થ થશે. પેલા કહેશે કે એ તો ગાંધી એવો જ માણસ છે, ગાંડો થયો છે, ગાંડપણ કરવા દો. પ્રજાને પણ આઘાત પહોંચશે અને આવાં અનશનનાં ખોટાં અનુકરણ થવાનો ભય પણ બહુ મોટો છે.’ પણ એ તો ભલે થાય. હું ગાંડો ગણાઉં, અને મરી જાઉં તેમાં શું ખોટું ? તો મને કૃત્રિમ રીતે મહાત્માપણું મળેલું હશે તે ખલાસ થઈ જશે. એ