આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો. એ રાજ્ય સામે ગુના કરવાની ઉશ્કેરણી કરવાના કામ માટે પોલીસખાતા તરફથી જ રોકાયેલો માણસ હતો. એક યાદ રાખવાલાયક ફકરામાં હોર લખે છે : “ ગુના કરવાની ઉશ્કેરણી કરનારા આવા નીચ બદમાશો હોતા હશે ખરા ? આ જાતની પ્રવૃત્તિ એ જ શું ગુનાહિત અને ચસકેલાં મગજની શોધ નથી ? એમનાં કામ શેતાની કાવાદાવાવાળાં હોય છે. હેબતાઈ જવા જેટલું એમને જોખમ ખેડવાનું હોય છે. બદલો મળવાનો કશો ભરોસો નથી હોતો. એટલે આવા લોકો હસ્તી ધરાવી શકે એમ માનવાનું જ મારું દિલ તો ના પાડે છે. પોલીસખાતાએ શા માટે આવા માણસો રાખી ત્રાસજનક અત્યાચારોની ઉશ્કેરણી કરવી જોઈએ ? પોલીસખાતામાં પોતાની લાગવગ વધારવાની આકાંક્ષામાંથી આવા બેધારી તલવાર જેવા સમાજદ્રોહીઓ પાકે છે, એ ખુલાસે મને વાજબી નથી લાગતો. આવા લોકો વહેલામોડા ખુલ્લા પડી ગયા વિના ન જ રહે. અને ધારો કે તેઓ ફાંસીએ જતાં અથવા કતલ થતાં બચી જાય તોપણ તેમને એવો તે શો મોટો અને કાયમી બદલો મળી જવાનો હતો, જેને લીધે એક યા બીજા પક્ષના ખોફનું જોખમ ખેડવા તેઓ તૈયાર થાય ? આ સવાલોના સંતોષકારક જવાબ મને કદી મળતા નથી. પરંતુ ભરોસાદાર પુરાવાથી મને એટલી ખાતરી તો થઈ છે કે આવા માણસો હસ્તી ધરાવે છે અને તેમનામાં સૌથી નામચીન આઈઝેવ હતો, જે હિચકારાની ઉશ્કેરણીથી ગ્રાંડ ડયુકનું ખૂન થયું.

"આ ખૂનમાં બીજા બે સાગરીતો હતા. એકનું નામ હતું કાલીવ. ઉત્સાહી, તરંગી, કવિ, મોટી ગંભીર આંખો, એક ખ્વાબી આદમીના મોં ઉપર હોય એવું સ્મિત — એવો એ જુવાનિયો આઈઝેવ જેવાની ભયંકર સેાબતમાં ક્યાંથી પડ્યો ? તેણે બોમ્બ નાખેલા. ગરીબ અને શાન્તિપ્રિય ખાનદાનનો એ નબીરો હતો. એના બાપુ વોર્સોમાં પોલીસ હતો. પોલીસખાતામાં લાંચ નહીં ખાનારા બહુ થોડા હોય છે. તેમાંનો એ હતો. એના ભાઈઓ જાતમહેનત કરી પરસેવો પાડી ગુજરાન ચલાવનારા હતા. કાલીવ અને એનો ભાઈ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંની યુનિવર્સિટીઓમાં અમુક ઘટનાઓની પરંપરા સામાન્ય રીતે ચાલતી. તેમાં એ ફસાયો. પહેલાં શક પરથી બરતરફી, પછી પોલીસની તકેદારી, પછી દેશનિકાલ, છેવટે ત્યાંથી છટકવું અને પશ્ચિમ યુરોપના છૂપા પ્રવાસ ખેડવા. આ ઘટના પરંપરામાં એ પણ સપડાયો અને એની યુનિવર્સિટીની કારકિર્દી બરબાદ થઈ. તેના હૃદયમાં વેરનું શલ્ય ભોંકાયું. ધીમે ધીમે એ ક્રાંતિવાદીઓ તરફ ખેંચાતો ગયો અને છેવટે એમની કારોબારી સમિતિના સૌથી આગળ પડતો કાર્યકર્તા

૫૮