આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંસા હતા. એ બાપડાં સઘળાં મરણની રાહ જોઈને જ બેઠાં હતાં. ૧૭મી જુલાઈએ કટેરિનબર્ગમાં ઝારઝરીનાનું ખૂન થયું. ૧૮ મીએ બોલ્શેવિક જલ્લાદો ડચેસ અને રાજકુંવરોની આસપાસ ફરી વળ્યા. સઘળાંની આંખે પાટા બાંધવામાં આવ્યા. અને નજદીકમાં લોઢાના કાટનો ઢગલો પડયો હતો તેમાં બધાંને નાખવામાં આવ્યાં. કોકે એમાં સુરંગ મૂકી અને ઘડીકમાં ભડાકો થતાં સૌના ચૂરેચૂરા ઊડી ગયા. પેલા ઢગલા ઉપર નંખાતી વખતે ઈલિઝાબેથે જે શબ્દો ઉચ્ચાર્યા તે દૂર ઊભેલા એક ખેડૂતના સાંભળવામાં આવ્યા : “ ભગવાન, એ લોકોને ક્ષમા કર. તેએા શું કરી રહ્યા છે તેનું એમને ભાન નથી. ”

३०-३-'३२

આજે સવારે ફરતાં ફરતાં એક મુસ્લિમ નેતાની વાત નીકળી. વલભભાઈ કહે : "એ પણ કટોકટીને વખતે મુસલમાન બની ગયા હતા. એમને માટે જુદું રાહત ફંડ માગતા હતા, એને માટે જુદી અપીલ કરાવવા માગતા હતા.” બાપુ કહે : "એમાં એનો વાંક નથી. આપણે એવા સંજોગો ઊભા કરીએ છીએ એટલે એ શું કરે ? આપણે એમને માટે શું રાખ્યું છે ? જેમ અંત્યજોને ગણીએ એમ ઘણે ઠેકાણે એમને ગણીએ છીએ. અમતુલને મારે દેવલાલી મોકલવી હોય તો હું એને . . . પાસે મોકલી શકુ ? ખરી વાત તો એ છે કે આપણે આ ભાટિયા સેનિટેરિયમ, જ્યાં બધા જઈને ન રહી શકે – જ્યાં અમતુલ ન જઈ શકે ત્યાં જવું ન જોઈએ. એ વસ્તુ તો કયારે ટળે કે જ્યારે હિંદુઓ આગળ પડીને પગલું લે. આજે તો બે કોમની વચ્ચેનું અંતર વધતું જાય છે. પણ તે અંતર તો તો જ ઘટશે જો હિંદુઓ જાગ્રત થઈ જશે અને પોતાના વાડા તોડશે. એક કાળ એવો હશે કે જે વારે આ બધી સંકુચિત વસ્તુઓ જરૂરની હશે. આજે એની જરૂર નથી.” વલ્લભભાઈ કહે : “ પણ એ લોકેાના રીતરિવાજ જુદા, એ માંસાહારી, આપણે શાકાહારી, શી રીતે મેળ ખાય ? ” બાપુ: “ ના ભાઈ, ગુજરાત સિવાય બીજે ક્યાં હિંદુ શાકાહારી છે? પંજાબ, યુક્ત પ્રાંતો, સિંધમાં તો બધા માંસાહારી કહેવાય. . . . આજે તો બધું તાવણીમાં તવાઈ રહ્યું છે. જે થાય તે ખરું. કુશળ જ થવાનું છે એ વિશ્વાસ રાખીએ."

સિવિલ સર્જન આજે બાપુને જોવા આવ્યા હતા. જાણે એ પણ ઉપકાર કરવા આવતો હોય એવી રીતે આવીને બાપુની છાતી ઉપર ભૂંગળી મૂકી અને કહે : “ મારી છાતી આવી સારી હોય તો હું તો ફૂલ્યો ન સમાઉં ” બસ એટલું કહીને આગળ ચાલ્યો. બાપુએ પોતાના હાથની ઘૂંટીના અને

૬૫