આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પકડચાની ખબર સાંભળી ત્યારે એ ધગી ગયા અને ટાઉન ટાઉનહોલનું પ્રસિદ્ધ ભાષણ કરેલું. પોલાકનાથી બાનું સહન ન થયું એટલે આ લખ્યું છે.”

વલભભાઈ : "બાનું તો કોઈ ને પણ લાગે તેમ છે. આ તો અહિંસાની મૂર્તિ છે. એવી અહિંસાની છાપ મેં બીજી કોઈ સ્ત્રીના મુખ ઉપર જોઈ નથી. એમની અપાર નમ્રતા, એમની સરળતા, કોઈ ને પણ હેરત પમાડે તેવાં છે.”

બાપુ: “ સાચી વાત છે વલ્લભભાઈ. પણ મને બાનો સૌથી મોટો ગુણ એની હિંમત અને બહાદુરી લાગે છે. એ આડાઈ કરે, ક્રોધ કરે, અદેખાઈ કરે, પણ એ બધું જાણ્યા પછી આખરે દક્ષિણ આફ્રિકાથી આજ સુધીની એની કારકિદી લઈએ તો એની બહાદુરી શેષ રહે છે.”

સવારે 'આત્મકથા’ની સંક્ષિપ્ત આવૃત્તિનાં પ્રુફ તપાસતાં મેં બાપુને પૂછયું : “ તમારી માતાનાં કઠણ વ્રતો : એકાદશી, ચાતુર્માસ, ચાંદ્રાયણ વગેરેની વાત કરી છે, પણ આપે તો શબ્દ saintliness ( પવિત્રતા) વાપર્યો છે. અહીં પવિત્રતા કરતાં તપશ્ચર્યા આપ કહેવા નથી ઈચ્છતા ? તો શબ્દ austerity ન લખાય?”

બાપુ કહે : " ના, મેં પવિત્રતા હેતુપૂર્વક વાપર્યો છે. તપશ્ચર્યામાં તો બાહ્ય ત્યાગ, સહનશક્તિ અને આડંબર પણ હોઈ શકે. પણ પવિત્રતા એ તા આંતરગુણ છે. મારી માતાના આંતરજીવનનો પડઘો એની તપશ્ચર્યામાં પડતો. મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી, પણ મારી માતાની છે. મારી માતા ચાલીસ વરસે ગુજરી ગયેલાં એટલે મેં એની ભરજુવાની જોઈ છે. પણ કદી એને ઉછાંછળી કે ટાપટીપવાળી કે કાંઈ પણ શોખ કે આડંબર કરનારી મે જોઈ નથી. એની પવિત્રતાની જ છાપ હંમેશને માટે મારા ઉપર રહી ગઈ છે."

१-४-'३२

બેકરીવાળાએ એક બિલાડી પાળી છે. એ બિલાડીને બે બચ્ચાં થયેલાં.એ હવે બહાર નીકળ્યાં. બાપુના ઉધાડા સુંવાળા પગની આસપાસ આવીને એ બિલાડી ઘણી વાર વીંટળાય. કાલે સવારે બચ્ચાંને લઈને આવી અને બચ્ચું ગેલ કરવા લાગ્યું. બિલાડીની પૂછડીને ઉંદર માનીને દૂરથી દોડતું દોડતું આવે, તે પૂંછડીને મોંમાં લે, તેને કરડે, પેલી પૂછડી ખેચી લે, વળી પાછી છોડે એટલે વળી પાછું પેલું બચ્ચું એ પૂંછડીને મોંમાં લે, પીંખે, કરડે અને ગમ્મત કરે. આ ખેલ બાપુએ અનેક મિનિટ સુધી રસ્કિન વાંચતા હતા તે છોડીને જોયાં કીધો.

૬૭