આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે કુરેશી અને એ મહારાષ્ટ્રી ભાઈઓ કેમ્પમાંથી મળવા આવ્યા હતા. આ લોકોની સાથે વાતો કરવાને લીધે બાપુનું કાંતવાનું આજે મોડું થયું, અને બપોરનું સુવાનું ગયું. બહેનોનો કાગળ પણ આજે આવ્યો. બધી આનંદમાં છે અને ઉદ્યોગમાં દિવસ નિર્ગમન કરે છે.

આજે સાંજે ફરતાં આંબેડકરની વાત કાંઈક પ્રસંગને લઈને નીકળી બાપુ કહે : “ મને તો વિલાયત ગયા ત્યાં સુધી ખબર નહોતી કે આ આંબેડકર અંત્યજ છે. હું તો માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણ હશે. એને અંત્યજો માટે ખૂબ લાગેલું છે અને એ વધારાપડતી વાતો ઊકળીને કરે છે.” વલ્લભભાઈ કહે : “ મને એટલી તો ખબર હતી, કારણ એ ઠક્કર સાથે ગુજરાતમાં ફર્યા હતા ત્યારે મારે એાળખાણ થયેલી." પછી ઠકકર બાપા અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયાની અસ્પૃશ્યો પ્રત્યેની વૃત્તિની વાત નીકળી. બાપુ કહે : " પ્રથમથી જ એ લોકોની આ વિષેની વૃત્તિ આજે આ પ્રશ્ન જે સ્વરૂ૫ લીધું છે તેને માટે જવાબદાર છે. હું તો ૧૯૧૫માં ગોખલે ગુજરી ગયા ત્યારે પૂના સર્વન્ટ્સ ઑફ ઈંડિયા સોસાયટી હૉલમાં રહ્યો હતો ત્યારે જ એ મે' જોઈ લીધેલું. એ પ્રસંગ મને બરાબર યાદ છે. મેં દેવધરની પાસેથી એમની પ્રવૃત્તિઓની ટૂંકી નોંધ માગી, કે જેથી મને ખબર પડે કે મારે શું કામ ઉપાડવું. એ નોંધમાં અસ્પૃશ્યો વિષે હતું કે એમની પાસે જઈને ભાષણો આપવાં, એમના ઉપર કેવા અન્યાય થાય છે તે વિષે એમનું ભાન જાગ્રત કરવું, ઇત્યાદિ. મેં તો દેવધરને કહ્યું કે “ આ તો મે રોટી માગી તેને બદલે પથ્થર મળે છે. આ રીતે અસ્પૃશ્યનાં કામ શી રીતે થઈ શકે ? આ સેવા નથી. આ તો મુરબ્બીવટ છે. અસ્પૃશ્યોના ઉદ્ધાર કરનારા આપણે કોણ ? આપણે તો એ લોકો પ્રત્યેના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું, ઋણ ફેડવાનું છે. એ તો એ લેાકાને અપનાવીને થઈ શકે, એમની આગળ ભાષણ આપીને ન થઈ શકે.' શાસ્ત્રી અકળાયા અને બોલ્યા : ‘તું આમ ન્યાયાસન ઉપર ચઢીને વાત કરશે એવી અમે આશા નહોતી રાખી.' હરિનારાયણ આપ્ટે પણ બહુ ચિડાયા. હરિનારાયણને મેં કહ્યું : “તમે તો સમાજમાં બંડ કરાવશો એમ લાગે છે.” આપ્ટે કહે : “ હા, ભલે બંડ થાય, એ હું કરીશ.' આમ બહુ વિવાદ થયો હતો. મેં તે બીજે દિવસે શાસ્ત્રી, દેવધર, આપ્ટે બધાને કહ્યું : “ હું તમને દુ:ખ આપીશ એવી મને કલ્પના નહોતી.’ મેં માફી માગી એની એ લોકોના ઉપર સારી અસર થઈ. પછી તો અમને બની ગયું.” વલ્લભભાઈ : " તમને તો બધાની સાથે બની જ જાય ને. તમારે શું? વાણિયા મૂછ નીચી ! ” બાપુ કહે : “ જુઓની, એટલે જ કતરાવી નાખું છું ના ? ”

૬૮