આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

२-४-'३२

મારે રોટલી વણવાને માટે વેલણ જોઈતું હતું. ત્રણચાર વાર એને માટે માણસે વીશીમાંથી માગણી કરી અને ન આવ્યું એટલે વોર્ડર કહે : “ શીશીથી આજે રોટલી વણેા, કાલ સુધીમાં બીજુ આવી જશે.” વલ્લભભાઈ કહે : “ અહીં તો શીશીથી રોટલી વણાવે તેવા પડ્યા છે.” બાપુ કહે : “ પણ સાચે જ, વલ્લભભાઈ, શીશીથી રોટલી સારી વણી શકાય છે.” એ અખતરા પણ બાપુ કરી ચૂકેલા હતા. મેં પૂછયું : “ ફીનિક્સ આશ્રમમાં ગયા ત્યાં સુધી રસોઇયો હતો ખરો ? ” બાપુ કહે : “ ના. એ પહેલાં રજા આપેલી. એક રસોઇયો બહુ સારો હતો, એ બ્રાહ્મણ હતો. તે ગયા પછી એક મતિયો આવ્યો. તે તો કહે : ' ભાઈસાબ, તમે મરચાં વગેરે ન વાપરવા દો એ તો અમારે ન પોસાય.' એટલે મેં કહ્યું : ' તો ભલે જાઓ.' ત્યારથી રસોઈયા વિના ચલાવવા માંડયું. રાંધવું, કપડાં ધોવાં, પાયખાનાં સાફ કરવાં અને દળવાનું બધું ઘરમાં હાથે જ કરી લેતાં હતાં. દળવાને માટે છ પાઉન્ડની કિંમતની લોખંડની ઘંટી લીધી હતી. એક માણસથી ન દળાય, પણ બે સુખે દળી શકે. મારે સવારના પહોરમાં ઊઠીને એ પહેલું કામ. ગમે તેને મારી સામે દળવા બેસાડી દઉં'. એ ઘંટી ઊભા ઊભા દળવાની હતી. હાથો હલાવવાનો પણ હલાવવાને બે માણસ જોઈએ. ૦ા કલાકમાં અમારા આખા ઘરનો આટો દળાઈ જતો. અને જેવો જોઈએ તેવો જાડોપાતળો.”

બારડેલીમાં લોકોએ પૈસા બધા ભરી દીધા, ન ભરવાને માટે દિલગીરી બતાવી. કમિશનરને હારતોરા આપ્યા, અને “ સરકારકી જે” બોલાવી ! ! વલ્લભભાઈ કહે : " હવે આપણે સરકારને લખીએ કે સરકારની જે થઈ ગઈ છે, હવે અમને શા સારુ પૂરી રાખ્યા છે ? ” બાપુ :" બરાબર છે. આપણને કબૂલ છે ! ”

३-४-'३२

મ્યુરિયલ લિસ્ટરના કાગળો વિલાયતનાં જૂનાં સ્મરણો હંમેશાં જાગ્રત કરે છે. એ લખે છે તેમાં અત્યુક્તિ ન હોય તો-અને નથી જણાતી - બાપુના ત્યાંના વાસની અસર સામાન્ય લોકો ઉપર પણ ઠીક રહી ગઈ કહેવાય.

ચીન-જપાન લડાઈ અટકાવવાને સત્યાગ્રહ સેના મિસ મોડ રોયડન અને ક્રરોઝીઅર તૈયાર કરી રહ્યા હતા. તેમાં ૬૦૦ સ્ત્રીપુરુષોએ નામ નોંધાવ્યાં, એમ મ્યુરિયલ ખબર આપે છે. આ મહત્ત્વની ખબર કહેવાય. આને પણ હું તો બાપુના અહિંસાપ્રચારનું પરિણામ ગણું છું. આ ખબર વધાવી લેતાં બાપુએ આ ટીકા કરી : “ અહીંયાં પણ આપણે શસ્ત્રોથી લડતા

૬૯