આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રેમાબહેને લખ્યું હતું : “ હાલ તો બધાં આશ્રમમાં કસરત પાછળ પડ્યાં છે. એ તો તમારા વારસો છે ને ? જે લીધું તેની પાછળ પડવું.” આનો જવાબ બાપુએ વિરતારથી આપ્યો : “તું આશ્રમને પ્રમાણપત્ર આપે છે તે હું ન આપું. સાચું હોય તો એ પ્રમાણપત્ર ગમે ખરું. જે વસ્તુ લે છે તેની પાછળ આશ્રમ ગાંડુ થાય છે એ છાપ તારી ઉપર ભલે પડી હાય. તે બરાબર નથી. આશ્રમનાં વ્રતોને જ આપણે ક્યાં પહોંચી વળ્યાં છીએ ? આશ્રમમાં હિંદી, ઉર્દૂ, તામિલ, તેલુગ, સંસ્કૃત શીખવાનાં હતાં. એમાં ઘણા જ શિથિલ પ્રયત્ન થયેલા છે. ચામડાની કળાને આપણે ક્યાં પહોંચ્યાં છીએ ?, ઝીણામાં ઝીણું સૂતર આપણે ક્યાં કાઢીએ છીએ ? આવું તો બીજું ઘણું બતાવી શકુ ! મારી શંકાના સમર્થન સારુ આટલું બસ છે. લાઠી, વગેરેની પાછળ સહુ પડી શકે છે. એ તો મીઠાઈની પાછળ સહુ પડે છે, એમ કહેવા જેવું થયું. એવી વસ્તુઓ જગતમાં છે જ કે જેની પાછળ પડવામાં પરિશ્રમ નથી. આપણે પશુ કુટુંબના પણ છીએ તેથી આ ગુણ આપણામાં સ્વાભાવિક છે. તેને કેળવવા પડે તેમ નથી. એ કેળવવા ઘટે છે કે નહીં તે પ્રશ્ન છે. પશુ જાતિના બધા ગુણો ત્યાજ્ય છે એવું તો નથી જ.

ઉપનિષદો ઉપર ટીકા લખે -- જેમ ગીતા ઉપર લખી — એ સૂચના વિષે એ જ કાગળમાં લખ્યું : " ઉપનિષદો મને ગમે છે. તેના અર્થ લખવા જેટલી મારી યોગ્યતા હું માનતો નથી.”

બીજું કેટલુંક સામાન્ય : “ જે પ્રેમીજન પાસેથી દોષ કઢાવે તેનું પરિણામ સ્તુતિ સાંભળવામાં આવે. કારણ કે પ્રેમ દોષની ઉપર પડદો પાડે છે. અથવા દોષને ગુણરૂપે જુએ છે. પ્રસંગોપાત્ત દોષો બતાવે તે પ્રેમનો સ્વભાવ છે. ને તે સંપૂર્ણતા જોવાને ખાતર. તને . . .ની આગળ ‘હિસ્ટેરિકલ’ વર્ણવી હતી. તેમાં પણ તારી સ્તુતિ હતી, એ કિસને કહ્યું ? કેમ કે જો હિસ્ટેરિકલ ન માનું તો તે તું વધારે દોષિત ઠરે એમ એ સંબંધ હતો. તું હિસ્ટેરિકલ તો છે જ. તું ગાંડી જેવી થઈ જાય છે એનો અર્થ શો ? જે ઊભરાઈ જાય છે, એ હિસ્ટરિકલ છે. "

મનુનો, હરિલાલભાઈએ પીને તોફાન કર્યા તેના વર્ણનનો હૃદયભેદક કાગળ આવ્યો હતો. સાથે એની માશીના પત્રમાં હતું કે મનુ રોતી રહેતી નથી. એટલે એ બાપડી છોકરીની કરુણ દશાની કલ્પના બાપુ અને હું કરી શક્યા. બાપુએ એને વાત્સલ્યપ્રેમથી છલકાતો કાગળ લખ્યો : “ ચિ. મનુડી, તારો કાગળ મળ્યો. તે આખો બે વાર વાંચી ગયો. તારે ગભરાવાનું કારણ નથી. હરિલાલની દુર્દશા તે નજરે જોઈ એ બહુ સારું થયું. મને તો બધી ખબર હતી જ. એમ છતાંય આપણે કોઈની આશા ન છોડીએ.

૭૩