આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દુનિયાને જે સંદેશો આપ આપી રહ્યા છો તે માટે ભારે આભારની ભાવના સેવતી,

આપની
મોટો એડિથ રૉબરટો
 



નાનાભાઈનો કાગળ આવ્યો. તેમાં દક્ષિણામૂર્તિની આર્થિક સ્થિતિ વિષે ચિંતા હતી. અને ગિજુભાઈના બાળકને પંચગની ક્ષયને માટે મૂકવાની વાત હતી.

ક્ષયને વિષે લખતાં લખ્યું કે “ ક્ષયના કરતાં ક્ષયનો ભય વધારે પીડે છે. જેને વિષે ક્ષયનું આરોપણ થાય છે તે પોતાના દર્દના જ વિચાર કર્યા કરે છે અને જ્યાં ત્યાં ક્ષયથી થતો દુખાવો જોયા કરે છે. આ ભૂત જો મનમાંથી કઢાવી નાંખી શકાય તો દરદી ઝટ સારો થાય છે.” દક્ષિણામૂર્તિને વિષેની આર્થિક મૂંઝવણ વિષે લખતાં લખ્યું :

દ્રવ્યનો પ્રશ્ન તમને શા સારુ નડ્યો છે ? આ વસ્તુ તો તમે મારી પાસેથી શીખી જ છે. કેમ કે એ બાબતમાં હું વિશારદ ગણાઉં. ‘મહાત્મા’ બન્યા પહેલાં જ હું જે વસ્તુ શીખી ગયો હતો તે આ : ઉધાર પૈસા લઈને વેપાર કરવો એ જેમ ખોટું અર્થશાસ્ત્ર છે તેમ ઉધાર પૈસાથી જાહેર સંસ્થા ચલાવવી એ ખોટું ધર્મશાસ્ત્ર છે. અને જે સંસ્થાને વિષે સારામાં સારા માણસોએ ભિક્ષાને સારુ ભટકવું પડે એનું નામ ઉધાર વેપાર છે. તમે સંખ્યાનો આક બાંધ્યો છે તેના કરતાં આ આંક કાં નથી બાંધતા ? જેટલા પૈસા આવે તેના પ્રમાણમાં વિદ્યાર્થીઓને લેવા. હું જે લખી રહ્યો છું તે આચારમાં મૂકવું સહેલામાં સહેલું છે. માત્ર સંકલ્પની આવશ્યકતા છે. દરેક વર્ષનું સરવૈયું નક્કી કરવું. એ પ્રમાણે ઘર બેઠાં દ્રવ્ય આવે તો સંસ્થા ચલાવવી. ન આવે તો બંધ કરવી. તમે તો હવે બહુ જૂની સંસ્થા કહેવાઓ. પાછલો ઇતિહાસ ઉજ્જવળ છે. સારા શિક્ષકો છે. આટલું છતાં શ્રદ્ધા કાં ન હોય ? તમારું બધું સાહસ ઈશ્વરને અર્પણ કરી તેને નામે સંક૯પ કરો અને તેની મરજી હશે તો તે સંસ્થા ચલાવશે. ' હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે.' આ ભજન આજ સાંજના પ્રાર્થનામાં ગાયું હતું. તેનું સ્મરણ તો એક બાળા ઉપરના મારા કાગળમાંથી. તમે લખો છો કે વલ્લભભાઈ હોત અથવા હું હોત તો તમારી વિટંબણા તમને ન મુંઝવત. વિટંબણા જ ક્યાં છે ? અને છે તો તેને કાપનારા અમે કોણ ? આંધળો આંધળાને શું દોરે ? પણ વિટબણા માનો તો તે પણ એના જ ખેાળામાં નાંખી દો. આ બધું પાંડિત્ય માનીને ફેંકી ન દેતા. પણ તેનો અમલ કરજો.”

૭૮