આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપુ કહે : “ હા, આ તો કોઈ વસ્તુની જાણે અજાણે ઈચ્છા કરીએ છીએ તો ભોગ મળે છે. એને લખવું પડશે.”

* **

ઘણાખરા કાગળમાં બાપુ લખે છે કે કેદી છું. મારો કાગળ ક્યાંય ન છપાય એ જોજો. પણ જ્યાં કાગળ છાપવાનો ડર ન હોય ત્યાં શેના લખે ? છતાં આજે ખબર પડી કે ડૉ. મુથુને તેણે મોકલેલા પુસ્તકોની પહાંચ મોકલી, તે કાગળ તેણે પ્રસિદ્ધ કરી દીધો ! કેટલી દિશામાં સાવચેતી રાખવાની જરૂર પડે છે?

* **

બાપુએ આત્મકથામાં પોતાના પૂર્વજીવનમાં આત્મવિશ્વાસની ઊણપનો ખ્યાલ આપ્યો છે. પણ એ ઊણપ દર્શાવનારા બધા પ્રસંગો નથી આપ્યા. આજે માપેલાં વાક્યોથી થતી અજોડ દલીલ જે રીતે કરીને બાપુ સામાને મુગ્ધ કરે છે, ઘણી વાર એમના ઉપર થતા હુમલાઓના ચમત્કારિક રદિયા આપે છે, તે ઉપરથી આપણને એમ થાય છે કે વકીલ તરીકે પ્રકાશવા વિષે તો એમને પ્રથમથી શ્રદ્ધા હોવી જ જોઈ એ. લૌઈડ જ્યોર્જનું જીવનચરિત્ર વાંચતાં દેખાય છે કે ૧૮ વર્ષે લખેલી રોજનીશીમાં પણ એની મહેચ્છા, મહત્ત્વાકાંક્ષા, કીર્તિ, કલા વિષનો આત્મવિશ્વાસ દેખા દે છે. બાપુમાં આ નહોતું. આના દાખલા તરીકે એમણે આજે વાત કરી. બેરિસ્ટર તરીકે ધંધો ચાલશે એવી ખાતરી નહી. ખર્ચ તો ચાલુ જ, એટલે મુંબઈમાં કોઈ શાળામાં ૭૫ રૂપિયાની શિક્ષક તરીકે નોકરી માટે અરજી કરેલી. એ શાળાના શિક્ષક પણ કેવા હશે કે એણે બાપુને મળવા બોલાવેલા અને વાતો કરીને એમને એ નોકરીને માટે નાલાયક માનેલા ! જેનામાં આત્મવિશ્વાસ જરાયે ન હોય તેને માટે આ કિસ્સા વિચારવા જેવા છે. અને આશા પ્રેરનારા છે. મને ફરી ફરીને વિચારતાં સ્પષ્ટ ભાસે છે કે બાપુને બાપુ બનાવનાર એમની સત્યની અખંડ ઉપાસના – એ સત્યમાંથી નિર્ભયતા આવી, એટલે સત્યના પ્રયોગોનો માર્ગ ઈશ્વરશ્રદ્ધાપૂર્વક લેવાને માટે ખૂલતો જ ગયો. સત્યની અખંડ ઉપાસના અને સત્યને આચરવાની સંપૂર્ણ તૈયારી માણસને કઈ ટોચે ન પહોંચાડે તે કહેવું મુશ્કેલ છે. મેં બાપુને પૂછયું : " પણ ૭૫ રૂપિયાની નોકરી લેવાનું આપને શું મન થયું ? કાંઈ માન્યામાં નથી આવતું.” બાપુ કહે : “ ભાઈ, મને કશી મહત્ત્વાકાંક્ષા જ નહોતી. કોઈક રીતે આપણો નિર્વાહ ચાલે અને જ્યાં પડ્યા હોઈએ ત્યાં કાંઈક સેવા કરીએ એ ઉપરાંત કશો જ ખ્યાલ નહેાતો.”

* **
૮૮