આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. અને કહે છે: “ હવે આ જન્મમાં જેલમાં નથી આવવું. ભગવાને હાયપગ આપ્યા છે રળીને ખાશું. એમ કાંઈ ભૂખે મરતા નથી. હું પકડાયો - એક મુસલમાનો ગુનો કબૂલ કરીને બધાને પકડાવ્યા અને પોતે છૂટી ગયો તેના થોડા દહાડામાં જ એક પાટીદારે ૧૮ વીઘાં ભોંય ખેડવા આપવાનું કહેલું હતું, પણ તકદીરની વાત છે. કોઈનું કોડી કરજ નથી. સો બસેં રૂપિયા હું બીજાની પાસે માગું છું. અમે બારૈયા કહેવાઈએ. અમે ચલાળાના ખરા પણ મૂળ અમે ચરોતરના.'

११-४-'३२ આજે મૌનવાર એટલે વલ્લભભાઈ બાપુને કહે : “ આજે ચૌદ અવાડિયાં તો થઈ ગયાં. હજી તમારે અહી ક્યાં સુધી રહેવું છે ? વિલાયત ન ગયા હોત તો તે ત્રણચાર મહિના પણ આમાં ગણાઈ જાત તો ખરા. આ તો એય નકામા ગયા.” બાપુ હસવા સિવાય શો જવાબ આપી શકે ?

* **

ઑરટ્રેલિયા અને અમેરિકાની વાત કરતાં બાપુ કહે : " અમેરિકા તો પોતાના ધર્મનું રક્ષણ કરવા અર્થે ભાગેલા માણસોએ વસાવ્યું, પણ ઑસ્ટ્રેલિયા તો સજા પામેલા ગુનેગારોએ, એમાં કાંઈ શંકા છે ? પણ ઑસ્ટ્રેલિયા જ શા માટે ? જેને એ લોકો પોતાના દેશનું રક્ષણ કરનાર અને દેશની સેવા કરનાર તરીકે પૂજે છે એ બધા કોણ હતા ? ડ્રેક તે શુદ્ધ ચાંચિયો લૂંટારો હતા. તે સર કાન્સિસ ડ્રેક. ક્લાઈવ કોણ ? હેસ્ટિંગ્સ કોણ? સેસિલ રૉડ્ઝ કોણ ? મહા સટોરિયો, ઠગ, ભારાડી માણસ. તેણે રોડેશિયા વસાવ્યું, ઈસ્ટ ઇંડિયા કંપનીનો ઇતિહાસ જેવા અહીં આંખ આગળ તરે છે તેવો રૉડ્ઝ કંપનીનો તરે છે. હા, એક વાત છે : આ લોકોમાંથી સારા માણસો પણ પાક્યા, એમાં શંકા નથી.'

ઝીણી ઝીણી બાબતો વિષે બાપુને શાસ્ત્રીય જ્ઞાન કેટલું છે અને કેટલું જાણવાની ઈચ્છા છે તે તો ઘડીએ ઘડીએ અને પળે પળે જોઈએ છીએ. આશ્રમમાંથી માંદગીના કાગળો તો આવે જ, અને સવાલ પુછાય. “ 'વેટ શીટ પૈક' ગમે તેવા તાવમાં અપાય ? ” એમ પૂછવામાં આવ્યું. બાપુએ લખ્યું : " જરૂર અપાય. માત્ર કપડું બરાબર નિચોવી નાખ્યું હોય, એમાં પાણીનું ટીપું ન રહ્યું હોય એ જોવાનું છે. " મેં કહ્યું : " હવે યુરોપમાં ઇન્ફલુએંઝાવાળાને બરફ ઉપર સુવરાવીને રોગ મટાડે છે.’’ બાપુ કહે : " તદ્દન સમજાય તેવું છે. બરફ઼ ઉપર માણસને ઠંડી થોડી લાગે ? એને તો ગરમી

૯૧