આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
સાધ્વી ટેરેસા

સર્વત્ર વાતો હતો. સ્પેનના ઘાતકી રાજા પાંચમો ચાર્લ્સ એ વખતે જર્મનીનો પણ બાદશાહ હતો. એટલે લ્યુથરનો ન્યાય કરવાનું કાર્ય તેને માથે આવી પડયું હતું. તે લ્યુથરે પ્રચાર કરેલા ધર્મનો ઘોર વિરોધી હતો. એટલે સ્પેનના લોકો લ્યુથરે પ્રવર્તાવેલા પ્રોટેસ્ટંટ-સુધારક-ધર્મનો સ્વીકાર કરી શક્યા નહોતા, બલ્કે જૂના કુસંસ્કારો તેમના હૃદયમાં વધારે ઉંડી જડ ઘાલી બેઠા હતા.

સ્પેનવાસી ટેરેસાએ પણ માર્ટિન લ્યુથરનો સુધરેલો ધર્મ સ્વીકાર્યો નહોતો. એમણે ભક્તિરસાત્મક અનેક ઉત્કૃષ્ટ ગ્રંથ રચ્યા હતા અને ધર્મ ભાવનાં ઉત્તમ અધિકારી બન્યાં હતાં. અનેક આશ્રમની સ્થાપના કરીને તથા સ્વધર્મમાં પેસી ગયેલા દુષિત રીતરિવાજો દૂર કરીને તેમાં તેમણે જે નવો પ્રકાશ નાખ્યો હતો, તે ઉપરથી પણ તેમની અસાધારણ આધ્યાત્મિક શક્તિનો પરિચય મળી આવે છે. એ આશ્ર્મોને લગતાં એમનાં કેટલાંક કામોનો અહી' સંક્ષેપમાં ઉલ્લેખ કરીશું.

જે સમયની વાત અમે લખી રહ્યા છીએ તે સમયમાં ધર્મયાજક, ધર્મસાધક અને સાધિકા સ્ત્રીઓ ઘણું ખરૂં આશ્રમમાંજ રહેતાં. એને લીધે એ આશ્રમ પ્રત્યે સર્વત્ર શ્રદ્ધા અને ભક્તિ જણાતી. આગળ એ આશ્રમમાં જે આધ્યામિક વાયુ ઉત્પન્ન થતો તે નગરો અને ગામોમાં ફેલાઇને નરનારીઓના આત્મિક સ્વાસ્થયનું રક્ષણ કરતો; પરંતુ એ સમયની આશ્રમની દશા ઘણી ખરાબ થઈ પડી હતી. આશ્રમનાં જે સંન્યાસી અને સંન્યાસિનીએાને માથે મનુષ્યોના અંતરમાં ધર્મભાવ જાગ્રત કરવાનું કામ હતુ, તેમનામાંનાં અનેકમાં જ્ઞાનનો અભાવ જણાતા અને કેટલાંક તો પોતાના મનમાં હિંસા, દ્વેષ, વિષયાસક્તિ અને અધર્મનું પોષણ કરી રહ્યાં હતાં.

પોતાના દેશનાં સાધુસંન્યાસિનીઓની આવી શોચનીય અવસ્થા જોઈનેજ ટેરેસાના મનમાં એક નવો આશ્રમ સ્થાપવાનો સંકલ્પ જાગ્રત થયો હતો. હવે એમણે એ મહાન ઉદ્દેશ અને નવો આદર્શ સ્થાપીને આશ્રમ સ્થાપવાનો યત્ન કરવા માંડયો, પરંતુ એક પ્રકારના જૂના વિચારના લોકો તેમના નવા આશ્રમની વાત સાંભળીને ચોંકી ઉઠયા. માર્ટિન લ્યુથરે એક જરા નવી વાત કરવા જતાં આખા યૂરોપમાં આગ સળગાવી મૂકી હતી. હવે ટેરેસા પણ એક નૂતન કાંડ રચવા માગતાં હતાં. હવે સ્પેન દેશના બધા લોકો આ સંન્યાસિની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા.