આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
સાધ્વી ગેયાઁ


છે. જેણે દુઃખનું વરણ કર્યું નથી, તે ઈશ્વરને વરી શકતો નથી. ”

મેડમ ગેયાઁની આશ્ચર્યકારક આધ્યાત્મિક શક્તિની વાત આખા દેશમાં પ્રસરી ગઈ. દેશના જ્ઞાની,મૂર્ખ, ગૃહસ્થાશ્રમી અને સંન્યાસી, કુમારી, સધવા અને વિધવા-સર્વ શ્રેણીનાં સ્ત્રીપુરુષો તેમના આ જવલંત ઉપદેશ સાંભળવા સાફ આવવા લાગ્યાં. તેમણે એ લોકોના અંતઃકરણમાં જવલંત ધર્મભાવ જાગ્રત કરી દીધો, પરંતુ સાધ્વીની આ આધ્યાત્મિક શક્તિ, એક પ્રકારના હઠીલા રોમન કેથોલિક ખ્રિસ્તીઓ સહન કરી શક્યા નહિ. કેવી રીતે સહન કરી શકે ? તેઓ મૂળ ધર્મકારોનાં ચરિત્ર અને ઉદ્દેશ ભૂલી જઈને જે કાંઈ ઉપલક આચાર અને તેને ઓથે દુરાચાર ચાલતા હતા, તેમાં ડૂબવાને લીધે જૂનું એટલું સોનું કહેનારા અને રૂઢ રીતરિવાજોના આંધળા પક્ષપાતી હતા. મનુષ્ય ધર્મને નામે અધર્મને અને બાહ્યાડંબરોરૂપી પથ્થરને છાતીએ બાંધીને ભલે ડૂબી મરે, તેમાં તેમને વાંધો નહોતો; પરંતુ કોઈ ધર્મના નૂતન પ્રકાશથી આત્મોન્નતિ કરવા માગે તો તેઓ ગુસ્સે થઇ જતા. એ પક્ષના અનેક ધર્માંધ પાદરીઓ સ્વાર્થને ખાતર, સત્યના કરતાં કુસંસ્કારનો પ્રચાર કરવામાં પોતાના કર્તવ્યની સફળતા માનતા. કેાઈ એમની વિરુદ્ધ બોલવા જતું તો રાજાની તલવાર તેના માથા ઉપર પડતી; પાદરીઓ રાજશક્તિની મદદથી તરત તેને કેદમાં મોકલાવી દેતા.

પરંતુ મેડમ ગેયાઁ દેવી શક્તિશાળી, અને ધર્મ તેજથી તેજસ્વિની બન્યાં હતાં. તેમણે નિર્ભય ચિત્તે અસત્ય, કુસંસ્કાર અને નકામી ક્રિયાઓ તથા અસ્વાભાવિક દેહદમનવિરુદ્ધ પોતાનો મત પ્રકટ કરવા માંડયો. યથાર્થ ધર્મ કેવો હોય છે, એ સમજાવવા સારૂ તેમણે કેટલાક ધર્મગ્રંથો રચ્યા. હવે શું બાકી રહે ? જાૂના વિચારના રોમન કેથોલિક ખ્રિસ્તીઓએ પોતાનો પક્ષ બાંધીને એ સાધ્વીપર જુલમ કરવો શરૂ કર્યો તે એટલે સુધી કે મેડમ ગેયાઁ સ્થિરતાથી કંઈ પણ કાર્ય કરી શકતાં નહિ. ફક્ત એક જગ્યાથી બીજી જગ્યાએ અને ત્યાંથી વળી ત્રીજી જગ્યાએ એમ ફરતાં ફરવા લાગ્યાં.

૬-જીવનની શેષ કથા

મેડમ ગેયાઁ વિવિધ સ્થાનોમાં ફરતાં ફરતાં પેરિસ શહેરમાં આવી પહોંચ્યાં. અહીઆં પણ પુષ્કળ ધર્મપિપાસુ નરનારીઓ તેમનાં જ્ઞાન, ભક્તિ અને કર્મના યોગવાળું સુપવિત્ર જીવન જોઇને તથા તેમના મધુર ઉપદેશો સાંભળીને ધર્મ માર્ગમાં આગળ વધવા લાગ્યાં.