આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સાધ્વી મેરી કાર્પેન્ટર

જણાઈ આવ્યું. તેમના પરિશ્રમનું થોડું ઘણું સાર્થક થયું. એ સમયમાં એમના પ્રયાસથી કેટલાક મનુષ્યો ખરાબ ચાલચલણ અને દારૂ પીવાની ટેવ છોડી દઈને ઈશ્વરપરાયણ બન્યા હતા અને કેટલાંક બાલક-બાલિકાઓ પા૫પંથમાંથી નીકળીને નીતિમાન થયાં હતાં. એ કાર્ય ઉપરાંત તેમણે એક દૈનિક નિશાળ અને એક રવિવારની નિશાળની સ્થાપના કરી હતી.

૪ – આત્મશિક્ષણ

આગલાં પ્રકરણોમાં જનસેવા અને પરોપકારનાં જે કાર્યો વર્ણવવામાં આવ્યાં છે તે કાર્યો મેરી કાર્પેન્ટરનું પોતાનું જ્ઞાન વધારવાના માર્ગમાં વિઘ્નરૂપ થઇ પડ્યાં નહિ એ સર્વ કાર્ય કરવા ઉપરાંત કાવ્ય, ચિત્રકલા, ભૂવિદ્યા, શરીરવિદ્યા વગેરે વિષયોનો ધ્યાન દઇને એ અભ્યાસ કરતાં અને ‘ફિલોસોફિકલ ઇન્સ્ટીટ્યુશન’ અર્થાત્ દાર્શનિક વિદ્યાલયમાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરતાં. જે જે સ્થળોમાં પાતે મુસાફરી કરતાં તે તે સ્થાનોની જમીનને લગતા નમુનાઓ એકઠા કરતાં, ભૂસ્તરવિદ્યાના મોટા મોટા પંડિતોનાં ભાષણો સાંભળતાં અને એમને પોતાને ઘેર નિમંત્રણ આપીને ભૂતત્ત્વવિદ્યા સંબંધી વાતચીત કરતાં તથા પોતે એકઠા કરેલા નમુના બતાવતાં, નવું જ્ઞાન મેળવતાં તથા પ્રાપ્ત કરેલા જ્ઞાનની બીજાઓ સાથે વાતચીત કરતાં એમને ઘણો આનંદ થતો. કાવ્ય ઉપર પણ તેમને શોખ હતો. પરંતુ જે કાવ્ય અને સાહિત્યમાં તેમના સ્વભાવમાં રહેલ ધર્મ અને ઉચ્ચતમ નૈતિક આદર્શને હલકા ગણવામાં આવ્યા હોય તે કાવ્ય અને સાહિત્યને એ ઘણીજ ઘૃણાપૂર્વક જોતાં અને પુષ્કળ તિરસ્કાર દર્શાવતાં. કવિઓમાં કેવળ વર્ડસ્વર્થને એ આદર્શ કવિ માનતાં; પોતાને વર્ડાસ્વર્થનાં પ્રશંસક અને બંઘુતરીકે ઓળખાવતાં. તેમણે બે વખત બે મોટા વિષયો ઉપર કાવ્યરચના કરી હતી. બાલ્યાવસ્થાથી જ જ્ઞાન સંપાદન કરીને પ્રસિદ્ધિ મેળવવાની તેમના જીવનની એક ઉચ્ચ આકાંક્ષા હતી. એ સમયમાં એ વિષય ઉપર તેઓ પોતાની રોજનિશીમાં લખી ગયાં છે કે “જે બધા વિષયોથી મારો આત્મા તૃપ્ત થાય છે, તે તે બધા વિષયો સંબંધી કાંઈ ને કાંઈ લખીને સ્થાયી રૂપમાં આ પૃથ્વીમાં રાખી જવાની મારી ઇચ્છા છે. કોઈ કોઈ વખત તો મને એવી ઈચ્છા થાય છે કે, જાણે હું એવું કાંઈ મૂકતી જાઉં કે જેથી મૃત્યુ પછી હું ચિરસ્મરણીય ગણાઉં અને ભવિષ્યની પ્રજા મને યાદ