આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
મહાન સાધ્વીઓ

હતાં. મેરીનો વિશ્વાસ હતો કે, તેમના પિતા આ દુનિયા છોડીને એક ઉન્નત દુનિયામાં ગયા છે અને એજ ઉન્નત દુનિયામાં છે. પિતાના મૃત્યુ પછી એક વર્ષ બાદ પોતાની માનસિક અવસ્થા વિષે મેરી કાર્પેન્ટર તેમની જ નિશીમાં નીચે પ્રમાણે લખી ગયાં છે :–

“આ પૃથ્વીમાં હું જેમને સૌથી વધારે ચાહતી હતી, તેમને ગુમાવવાથી જો કે મને શોક થાય છે, તો પણ અંદર શાંતિ છે. આ વર્ષ અમારે માટે ઘણું પ્રિય અને પવિત્ર બનજો; કેમકે આ વર્ષમાં મારા પ્રિયતમ પિતા પાર્થિવ દુઃખ, શોક અને પરિશ્રમાંથી છૂટીને ચિરશાંતિમય ધામમાં સીધાવ્યા છે.”

૬ – કર્મક્ષેત્રનો વિસ્તાર

ડૉક્ટર ટકરમેનનું મૃત્યુ

પિતાના મૃત્યુ પછી એક અઠવાડિયા બાદ તેમના ભક્તિભાજન મિત્ર ડૉક્ટર ટકરમેને પરલોકવાસ કર્યો. ડૉક્ટ૨ ટકરમેનનું ઉન્નત ચારિત્ર અને જીવનનો ઉચ્ચ આદેશ મેરી કાર્પેન્ટર કદી વિસરી શક્યાં નહિ. તેમના પાછલા જીવનમાં જ્યારે તેમને હાથે એક પછી એક પરોપકારી કાર્ય સધાતાં હતાં, ત્યારે ડોક્ટર ટકરમેને પોતાનામાં જે મહાન ભાવ પ્રેર્યો હતો તેનોજ વિકાસ થયો છે, એમ કહીને તેમને ધન્યવાદ આપતાં હતાં.

મ્યુઝિયમનું દાન

પોતાના રવિવારના વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં જ્ઞાનાનુરાગ જાગ્રત કરવા સારૂ મેરી કાર્પેન્ટરે ભૂસ્તરવિદ્યા અને બીજા વિષયોને લગતી સામગ્રીઓનું પોતાનું એક નાનું સરખું મ્યુઝિયમ અથવા સંગ્રહસ્થાન તેમને દાન કર્યું. શરૂઆતમાં ખરાબ ચાલચલણનાં મનુષ્યોવાળા ગામમાં અને ઘરમાં જતી વખતે તેમના હૃદયમાં કોઈ કોઈ વખત ઘૃણા અને વિરક્તિ ઉપજતી; પરંતુ તેમની સાથે રહીને કેટલાંક વર્ષ કામ કર્યા પછી જનસમાજના નીચલા વર્ગ તરફ તેમને દયા ઉપજી અને તેમની સેવા કરતાં તેમને પુષ્કળ આનંદ થવા લાગ્યો. એ વખતે એ હતભાગીઓ ઉપર તેમનો એટલો બધો પ્રેમ હતો કે, કેટલીએ માતાઓ મૃત્યુશય્યામાં પડી પડી પોતાના સંતાનને તેમના હાથમાં નિઃશંક ચિત્તે સાંપી જતી હતી. તેમની પાસેથી સંપૂર્ણ સહાનુભૂતિ મળશે એવી આશાથી પાપી મનુષ્યો પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમની પાસે જતાં. મેરી કાર્પેન્ટર એવા પશ્ચાત્તાપથી બળતાં પાપીઓને સન્માર્ગમાં પાછાં આવતાં