આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
સાધ્વી મેરી કાર્પેન્ટર

૧૦ – મૃત્યુ

ઈ. સ. ૧૮૭૭ માં ૭૦ વર્ષની વયસુધી પણ મેરી કાર્પેન્ટર, નવીન તેજ અને સતત ઉત્સાહપૂર્વક બધાં કામકાજ નિયમ અને પદ્ધતિસર કર્યે જતાં હતાં. ભારતવર્ષની સ્ત્રીઓની ઉન્નતિની ચિંતા તેમના હૃદયમાં છેલ્લી ઘડી સુધી કાયમ હતી. ઈગ્લઁડની મહિલાઓ પણ પુરુષની માફક પાર્લામેન્ટમાં મત આપી શકે તેને માટે પણ તેમણે યત્ન કર્યો હતો. માદક પદાર્થોનો નિષેધ કરવા સારૂ જે જે સભાઓ સ્થાપવામાં આવી હતી તેમાં મેરી કાર્પેન્ટર ખરા દિલથી સામેલ થતાં હતાં. માનવચરિત્રની ઉન્નતિ કરવા સારૂ જે જે હીલચાલ થઈ હતી, તે સર્વમાં તેમણે ભાગ લીધો હતો અને અસાધારણ હોંશિયારીથી એ બધી હીલચાલોને સફળ કરી હતી. એજ વર્ષમાં એમણે પરલોકગમન કર્યું. ૧૪મી જુનને દિવસે બધા કામકાજથી પરવારીને પાર્લામેન્ટના સભાસદો સાથે પરોપકારી કામોને લગતી વાતચીત કરીને તથા કાગળપત્ર લખીને રાત્રે શયન કરવા ગયાં. બીજે દિવસે સવારે તેમની જીવંત, ઉત્સાહપૂર્ણ તેજોમય મૂર્તિ કોઈ જોઇ શક્યું નહિ. તેમના અમર આત્મા તેમના નશ્વર દેહનો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો.

૧૧ – મેરી કાર્પેન્ટરની સમાધિ

પ્રાતઃકાળમાં આ દુ:ખજનક સમાચાર ચારે દિશામાં પ્રગટ થઇ ગયા. તેમના એકાએક મૃત્યુના સમાચાર સાંભળીને તેમનાં સ્નેહીઓ એકદમ શોકમગ્ન થઇ ગયાં. અનાથ, દીન, દરિદ્ર લોકો પોતાને માતૃહીન થયેલાં ગણીને આર્તનાદ કરવા લાગ્યાં. તેમના મૃત્યુસમાચાર તારમારફતે ભારતવર્ષ અને અમેરિકા મોકલી આપવામાં આવ્યા. તેમના મરણથી ઇંગ્લઁડ, અમેરિકા અને ભારતવર્ષના લેાકો ઘણા દુઃખી થયા હતા. મેરી કાર્પેન્ટરના મૃત્યુના ચાર દિવસ પછી એટલે ૧૯ મી જૂનને બુધવારે ‘અર્નેલવેલ’ના સમાધિક્ષેત્રમાં તેમનાં માતા અને પ્રિય ભગિનીએ નાના સમાધિમંદિરની પાસે ઘણા મોટા સમારોહ સહિત તેમના નશ્વર દેહને ભૂમિમાં પધરાવ્યો હતો ઘણાં બંધુબાંધવ, ધની, નિર્ધન, બાલકબાલિકા એકઠાં થઈને મહાસમારોહપૂર્વક શ્રેણીબદ્ધ થઈને કુમારી કાર્પેન્ટરના શબને સમાધિક્ષેત્રમાં લાવ્યાં હતાં. એ શેાકાર્ત લોકશ્રેણીમાં ઇંગ્લઁડ દેશ ઉપરાંત અનેક દેશના લોકો હતા. જ્યારે તેમનો મૃતદેહ મહાત્મા રાજા રામમોહન રાયના ગૌરવ–મંડિત