આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
મહાન સાધ્વીઓ

સમાધિમંદિર આગળ પહોંચ્યો, ત્યારે ભારતવર્ષનાં બે નાનાં બાળકો એકબીજાના હાથ પકડીને રોતાં રોતાં તેમની સાથે જતાં ઘણાઓના જોવામાં આવ્યાં હતાં.

મેરી કાર્પેન્ટરનું લાંબું કર્મમય જીવન ૭૦ વર્ષની વયે આ પ્રમાણે સમાપ્ત થયું.

તેમના મૃત્યુ પછી તેમનું અમૂલ્ય સ્મરણ જાળવી રાખવા સારૂ મજૂરવર્ગનાં બાળકો માટે બે આશ્રમ સ્થાપવામાં આવ્યા.

કુમારી મેરી કાર્પેન્ટરે મૃત્યુદિવસ સુધી કામ કરવાનું બંધ કર્યું નહોતું. કેવું આશ્ચર્યકારક, અવર્ણનીય, કર્મમય જીવન ! છેવટના દિવસ સુધી કામ, કામ ને કામ ! કેવું જ્વલંત દૃષ્ટાંત ! તેમણે ઇચ્છા કરી હોત તો કોઈ કુળવાન, વિદ્વાન અને ધનવાન પુરુષ સાથે લગ્ન કરી સુખસાહેબીમાં જીવન ગાળી શકત; પરંતુ તેમણે એવું ન કરતાં આખી જીંદગી સુધી કુમારી રહીને, સેંકડો પ્રકારના અત્યાચાર, વિઘ્નો અને દુઃખોને જરા પણ ગણકાર્યા વગર પારકાંઓને માટેજ જીવન ગાળવાનું પસંદ કર્યું હતું. ઈશ્વર ઉપર અને તેનાં સંતાન મનુષ્યો ઉપર કેવો ઉંડો પ્રેમ ! એ પ્રગાઢ પ્રેમથી પ્રેરાઇને તેમણે પોતાના સુખને તુચ્છ ગણ્યું હતું અને બીજાંઓનાં સુખને સારૂજ પ્રાણ સમર્પણ કર્યો હતો.