આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
મહાન સાધ્વીઓ

અત્યંત ચાહે છે. તારો પ્રેમ જોઇને હું ઘણીજ સુખી થાઉં છું.’ હું એક સ્થળે ઉભી રહીને અનિમેષ નેત્રે માતૃમૂર્તિનાં દર્શન કરતી. એ મૂર્તિ નીહાળતાં અસીમ સુંદર પરમાત્માના અનુપમ માધુર્યની કથા મારા મનમાં જાગી ઉઠતી. ઈશ્વર સુંદર છે, એ વાત જનનીનું રમણીય મુખ જોઈનેજ હું સમજી શકી હતી.”

જે કન્યાને માતા ઉપર આટલો બધો મધુર પ્રેમ હોય, તેનું જીવન સૌંદર્ય, માધુર્ય, પવિત્રતા અને સદ્‌ગુણોથી વિભૂષિત થવું સ્વાભાવિક છે. માતાના સહવાસથી કુમારી કૉબના જીવનમાં દયા, પ્રીતિ, સરળતા અને ધર્મના સુકોમળ ભાવ ખીલવા માંડ્યા. માતાપિતાના સારા શિક્ષણને લીધે તેમની દૃષ્ટિ ઘણી નિર્મળ થઈ ગઈ. કોઈ પણ ખરાબ વસ્તુ ઉપર તેમની દૃષ્ટિ પડતી નહિ. સંસારમાં જે કાંઈ સુંદર, પવિત્ર અને મહાન છે તેના ઉપરજ કુમારી કૉબની દૃષ્ટિ પડતી.

બાલ્યાવસ્થામાં કુમારી કૉબ ઘણો વખત એકાંતમાં ગાળતાં. તેમના ઘરની પાસે એક મનોહર બગીચો હતો. બાલિકા કૉબ એ બગીચા પાસેના એક મકાનમાં એકલાં રહેતાં. નિર્જન સ્થાનમાં એકલાં રહેવું તેમને ઘણું જ પસંદ હતું. બાલ્યાવસ્થાથીજ એ શરીરના આરોગ્ય તથા સુનીતિ તરફ પુષ્કળ ધ્યાન આપતાં હતાં. તેમનાં માતાપિતા તેમને ખરાબ ખોરાકને સ્પર્શ પણ કરવા દેતાં નહિ. દૂષિત નૈતિક વાતાવરણમાં પણ એ કદી રહ્યાં નહોતાં. એમના પિતા પાસે પુષ્કળ ધન હતું, છતાં કન્યાને વિલાસિતા જરા પણ રુચતી ન હતી. કુમારી કૉબને જ્યારે પાંચ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેમની વર્ષગાંઠની ખુશાલીમાં તેમના પિતાએ તેમને એક બાઈબલ ભેટ આપ્યું હતું તથા પોતાની સાથે દેવળમાં લઈ ગયા હતા. એમનું શરીર એ વખતે સુંદર પોશાકથી વિભૂષિત હતું. એક ગરીબની છોકરીએ તેમનો એવો સુંદર પોશાક જોઈને રોવા માંડ્યું તથા પોતાની માતા આગળ હઠ લીધી કે “મા ! મને પણ આવા પોશાક કરાવી આપોને.”

કરુણાહૃદયા કૉબના ઉપર એ બનાવથી એટલી બધી અસર થઇ, કે ત્યાર પછી કોઈ પણ દિવસ એ કિંમતી અને આકર્ષક પોશાક પહેરીને ઉપાસના મંદિરમાં ગયાં નહિ.

કુમારી કૉબ પેાતાની બાલ્યાવસ્થાસંબંધી આત્મચરિત્રમાં લખે છે કે :–