આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન સાધ્વીઓ

હાફેઝના જીવનમાં મસ્તી, સાદિના જીવનમાં જ્ઞાન અને જુલેખાના જીવનમાં પ્રભુપ્રેમ અધિક ખીલ્યાં હતાં. પરંતુ રાબેયાના જીવનમાં તો એ બધી અવસ્થાઓ આશ્ચર્ય પમાડે એવી રીતે વિકાસ પામી હતી.

રાબેયા ગરીબ પિતાની પુત્રી હતી.×[૧] તેના પિતાનું નામ ઇસ્માઈલ હતું. એ આદિ કુટુંબનો હતો. એને લીધે ઉત્તરાવસ્થામાં રાબેયાને ‘રાબેયા અલ આદાબંયા’ એ નામથી લોકો ઓળખતા હતા.*[૨] અરબસ્તાનની મરુભૂમિમાં એક નાનાસરખા ગામડામાં રાબેયાનો જન્મ થયો હતો. રાબેયા બચપણથીજ મા વગરની થઈ હતી. ઇસ્માઈલને એથી કરીને તેનો બાપ અને મા બંનેની ગરજ સારવી પડતી. વૃદ્ધ ઇસ્માઈલ પેટને અર્થે મજુરી કરવા બહાર જતો, ત્યારે બાલિકા રાબેયા એકાંત ઝુંપડીમાં એકલી બેઠી બેઠી જ્યારે સાંજ પડે અને પિતાજી ઘેર પાછા આવે તેની વાટ જોયા કરતી. થાક્યાપાક્યા પિતાને સારૂ એ રેતાળ ભૂમિમાં મહામુસિબતે મળી આવતું જળ ભરીને તૈયાર રાખતી અને પિતા ઘેર આવે ત્યારે સ્નેહ અને પાણી વડે તેમને શીતળ કરતી.

એવી દશામાં ઉછર્યાથી બચપણમાંજ રાબેયા પોતાના બળ ઉપર ભરોંસો રાખનારી, મહેનતુ, સેવાપરાયણ અને ગંભીર બની હતી; અને આઠ-દશ વર્ષની વયમાં તેણે ઠાવકી, થોડાબોલી અને મહેનતુ રમણીની પેઠે પેાતાની ગૃહકુશળતાથી એ ઝુંપડીમાં કાંઈક અવનવુંજ તેજ આણ્યું હતું.

રાબેયાના ગામડાની ચારે તરફ ‘બદ્દૂ’ જાતના લૂંટારાઓનો વાસ હતો. તે વખતોવખત ગામ ઉપર ધાવો નાખીને આવતા. સ્ત્રી પુરુષ જે હાથ આવે તેને પકડીને લઈ જતા અને ગુલામતરીકે વેચતા અથવા તો પોતાને ઘેરજ રાખીને ગુલામગીરી કરાવતા. રાબેયાની ઉંમર બાર-તેર વર્ષની હતી. એ વખતમાં એક દિવસ લૂંટારાઓની એક ટોળીએ એના ગામ ઉપર હુમલો કર્યો અને બીજા સ્ત્રીપુરુષની સાથે રાબેયાના પિતા વૃદ્ધ ઇસ્માઈલને પણ પકડીને લઈ ગયા. રાબેયા હવે દુનિયામાં એકલવાઇ પડી. જાતમહેનત


  1. ×કેટલાક કહે છે કે, એના પિતાનું ચેાથું સંતાન હતી. રબ્બી એટલે ચાર; પણ રબ્બા ધાતુમાંથી નીકળેલું રાબેયા નામ હોવાથી એ ચેાથું સંતાન હોવું જ જોઇએ, એવું માનવાને કાંઈ કારણ નથી.
  2. *જુઓ :- ઈબ્ન ખાલી ખાનિસ બાયોગ્રાફિકલ ડીક્ષનેરી.