આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધ્વી રાબેયા

માંડવાનું સ્વપ્ન પણ તેને આવ્યું નહિ. તેણે એજ નિશ્ચય કર્યો કે, મહેનત-મજુરી કરીને પેટ ભરીશ અને પિતાજીની ઝુંપડીમાં મારૂં આ નિરર્થક અને નીરસ જીવન પૂરું કરીશ. એ વિચારથી એ નિશ્ચિંત બની હતી. આ પ્રમાણે કેટલાંક વર્ષ વીતી ગયાં. પાછા એક દિવસ એ ગામ ઉપર બીજા લૂંટારાઓ ચઢી આવ્યા અને બીજા બધાની સાથે રાબેયાને પણ પકડીને લઈ ગયા. હજરત મહમદ સાહેબ (સલ)ના ફરમાન મુજબ ગુલામગીરીના રિવાજને દોષવાળો ગણીને મના કરવામાં આવ્યો છે, તો પણ એ વખતમાં અરબસ્તાનમાં સઘળે ઠેકાણે એનો વિશેષ પ્રચાર હતો. ધનવાન લોકો સુંદર સ્ત્રીઓને ખરીદ કરીને તેમની સાથે લગ્ન કરતા, કાં તો વિલાસની સામગ્રીતરીકે ઘરમાં રાખતા; વારતહેવારે મજલિસોના ઉત્સવમાં એ દાસદાસીઓ પોતાના માલિકને ત્યાં એકઠા થયેલા મહેમાનોને સૌંદર્ય નાચ, ગાયન તથા સેવાચાકરીથી તૃપ્ત કરતાં. રૂપગુણવતી દાસીઓ નગરના બજારમાં મોટી કિંમતે વેચાતી. રાબેયા બસરાના બજારમાં એક વિલાસી શેઠીઆને ત્યાં વેચાઈ તો ખરી, પણ તેનો કાળો રંગ તથા કુબડું શરીર જોઇને તેને ભાગે વૈતરાનાં કામ આવી પડ્યાં. શેઠના પ્રમોદભવનમાં તેને પીરસવાનું કામ કરવું પડતું, એને લીધે એ મકાનમાં જે અધમ લીલાઓ થતી તે તેને પ્રત્યક્ષ જોવી પડતી; એટલું જ નહિ પણ પોતાના માલિકને ભોગવિલાસમાં મદદ પણ કરવી પડતી.

એ વખતમાં એવો રિવાજ હતો કે, ધનવાનને ઘેર વિદ્વાનોનો સમાગમ થતો. ધનવાન તરીકે પ્રખ્યાત થવા સારૂ ઘણા લોકો સારા સારા પંડિતોને રાત્રે પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપતા. આ તે સમયની એક ફેશન થઈ પડી હતી એમ કહીશું તો ચાલશે. રાબેયાના શેઠના ઘરમાં પંડિતોની એવી મજલિસો વારે ઘડીએ થતી; એટલે બિચારી રાબેયાના પરિશ્રમનો પાર રહેતો નહિ. અતિશય મહેનત-મજુરી કર્યાથી એ ઘરમાં દરવર્ષે કેટલાં એ દાસ-દાસી માંદાં પડીને મૃત્યુ દ્વારા અનંત વિશ્રામ મેળવતાં અને બીજા હતભાગી નવા ગુલામો આવીને તેમનું સ્થાન લેતા. ગુલામગુલામડીઓને જરા પણ વાંક પડતાં નેતરનો માર અને દરરોજ અપમાન સહન કરવાં પડતાં. રાબેયા બાલ્યાવસ્થાથી ઘરકામમાં કુશળ હતી તેમજ હાડકાંની પણ આખી નહોતી, એટલે તેની