આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
મહાન સાધ્વીઓ

અને રુક્મિણી તથા દુષ્યંત અને શકુંતલાનું લગ્ન થયું હતું, તેજ પ્રથાનુસાર ગેરિબાલ્ડીએ એનિટાનું પાણિગ્રહણ કર્યું.ગેરિબાલ્ડીએ પોતે એક પ્રસંગે એ લગ્નનું વર્ણન કરતાં લખ્યુંછે કે “આ લગ્નમાં ઈશ્વર પોતે સાક્ષી અને પુરોહિત હતા; નભોમંડળનો ચંદરવો હતો અને પથ્થરની છાટ વેદી બની હતી. આ નાના સરખા ઝરણાને કાંઠે અમારૂં શુભ લગ્ન સમાપ્ત થયું.” જેવી રીતે આ નદી અનંતકાળ સુધી વહેશે તેવી રીતે આ દંપતિના યશનો પ્રવાહ પણ ચિરકાળ સુધી સ્થાયી રહેશે. પ્રાતઃસૂર્યની જે રશ્મિમાળામાં એ વીર દંપતિ નવીન પ્રેમપાશમાં બંધાયાં હતાં તે પ્રેમ પ્રાતઃસૂર્યની રશ્મિની પેઠે એમનો દિનપ્રતિદિન વધતો ગયો.

વૃદ્ધ પિતાને આ બે કન્યાઓજ અવલંબનરૂપ હતી; એટલે પરણીને નવોઢા પત્ની એનિટાને પેાતાની સાથે રણભૂમિમાં લઈ જવાની ગેરિબાલ્ડીની ઈચ્છા નહોતી. પરંતુ સહધર્મિણીનો અત્યંત આગ્રહ જોઈને તેને રણભૂમિમાં લઈ જવીજ પડી. વિવાહ પછી એક માસ પૂરો થતાં થતાંમાં તો ગેરિબાલ્ડીને સેનાપતિ કેનિભરોની સેનામાં દાખલ થવાનો હુકમ મળ્યો. અહીંથીજ એનિટા અને ગેરિબાલ્ડીના હર–ગૌરિ મિલનનો આરંભ થયો. નેપલ્સનો આ ભવિષ્યનો ડિક્ટેટર અને તેની સહધર્મિણી બે બ્રેઝિલિયન ઘોડા ઉપર સવાર થઈને આનંદપૂર્વક સેનાપતિના તંબુ તરફ ચાલ્યાં. એક ભોમિયો પણ રસ્તો બતાવવા તેમની સાથે ઘોડા ઉપર બેસીને આગળ જતો હતો. એક અઠવાડિયા પછી આ નવ-દંપતી મેંટિમિરિયો લશ્કરમાં જઈ પહોંચ્યાં.

એનિટાએ પોતાની અદ્‌ભૂત પતિપરાયણતાદ્વારા તરતજ એ વાતનો પરિચય આપ્યો કે, એ ગેરિબાલ્ડી જેવા યોદ્ધાની સહધર્મિણી થવાને યોગ્ય છે. એ લોકોના ત્યાં પહોંચ્યા પછી થોડીજ વારમાં ગેરિબાલ્ડીને બ્રેઝિલના નૌકાસૈન્ય ઉપર ચઢાઇ કરવાને માટે સમુદ્રયાત્રા કરવાની આજ્ઞા મળી. એનિટા પણ એમની સાથે ગઈ. ઘણું વાર્યા છતાં પણ એ ઘર આગળ ન રહી. લગ્નને એક મહિનો પણ ન થયો એટલામાં તો એનિટાએ એક વીરાંગનાતરીકે પોતાની પ્રતિષ્ઠા જમાવી. જે વહાણમાં એ લોકો બેઠાં હતાં તે વહાણ અનુકૂળ પવનની સગવડ મળતાં પ્રબળ વેગથી શત્રુઓનાં વહાણની તરફ જવા લાગ્યું અને શત્રુઓના એક વહાણ સાથે એને ટક્કર ઝીલવી પડી. શત્રુઓએ તોપના ગોળા વરસાવવા માંડ્યા.