આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
સાધ્વી એનિટા

ભેદીને – વરસતા ગોળાના વરસાદને વીરતાપૂર્વક પાર કરીને એ પતિને જઇ મળી. ફ્રેંચ સૈન્ય મંત્રમુગ્ધની પેઠે એના તરફ જોઇ રહ્યું; મના કરવાનું સાહસ કોઇનાથી થઈ શક્યું નહિ. એ સમય પછી એનિટાના જીવનના અંતપર્યંત ગેરિબાલ્ડીએ કદી તેને પોતાનો સાથ છોડીને જવાનુ ન કહ્યું.

અલૌકિક વીરતાપૂર્વક લગભગ એક મહિના સુધી લડ્યા પછી ગેરિબાલ્ડીએ જ્યારે જોયું કે, રોમની રક્ષા કરવાને કાંઈ ઉપાય નથી ત્યારે એ પાંચ હજાર ચૂંટી કાઢેલા સૈનિકોને સાથે લઈને રોમની બહાર નીકળી પડ્યા. બીજી જુલાઈએ એ વીર દળ વેનિસ નગર તરફ ગયું. ગેરિબાલ્ડીએ એનિટાને પ્રસવકાળ સુધી રોમમાં રહેવાને કહ્યું, પરંતુ પતિપ્રાણા સતીએ પતિને આવી વિપત્તિના સાગરમાં એકલા ન જવા દીધો. એ પુરુષવેશ ધારણ કરી ઘોડે. સ્વાર થઈને જીવનની છેલ્લી ઘડી સુધી પતિની સાથે રહી. સીતાજી જે પ્રકારે રામચંદ્રજીની સાથે ગયાં હતાં, દમયંતી જે પ્રકારે નળની સાથે વનગામી થઈ હતી, સાવિત્રી જે પ્રકારે સત્યવાનની સાથે યમસદનમાં જવાને તૈયાર થઈ હતી; તેવીજ રીતે ગર્ભાવસ્થાના પૂરા દહાડા છતાં એનિટા આજે ગેરિબાલ્ડીની સાથે મૃત્યુના સુખમાં જવાને તૈયાર થઈ.

ગેરિબાલ્ડીની આજ્ઞાથી એ પાંચ હજાર સૈનિકો વેનિસની તરફ ચાલ્યા. પરંતુ ઓસ્ટ્રિયા, ન્યુપલિટી અને ફ્રેંચ સેનાએ આવીને ત્રણે તરફથી એમને રોકી દીધા. એથી એ જરા પણ અકળાયા નહિ. શત્રુના એ સૈન્યવ્યુહને ભેદી તેઓ એટાની નામક સ્થાનની તરફ઼ ચાલ્યા. એમની સેના અત્યારલગી કાંઈ પણ બહાનું કાઢ્યા વગર કે જરાયે આનાકાની કર્યા વગર અહીં સુધી તેમની સાથે ગઈ હતી. પણ ૧૧ મી જુલાઇએ જ્યારે એમણે એ નગર છોડીને વેનિસ જવાની આજ્ઞા આપી, ત્યારે એ સેનાએ પણ બહુ મોટો બળવો મચાવ્યો. શત્રુસેનાએ રાતદિવસ પીછો પકડેલો હોવાથી વસ્ત્રના અભાવ તથા ટાઢના કષ્ટથી, અને અન્નના અભાવને લીધે જઠરાગ્નિ ઠંડો પડી જવાથી, તથા બહુ ઉતાવળે કૂચ કરીને બહુ થાકી જવાથી, ગેરિબાલ્ડીની સેના નિરાશ થઈ ગઈ હતી. એ નિરાશાને લીધે એમના ઘણા સૈનિકો પોતાની ફોજને છોડીને નાસી ગયા. પાંચ હજારમાંથી કેવળ છસો માણસો રહ્યા. એ સેનાને લઇને તેમણે આરોઝો નગરમાં આશ્રય પામવાનો પ્રયત્ન