આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
મહાન સાધ્વીઓ

કર્યો, પરંતુ ત્યાં પ્રવેશ કરવા પામ્યા નહિ. આખરે એમણે સાનમેરિનોના પ્રજાસત્તાક રાજ્યની પાસે આશ્રયની ભિક્ષા માગવાનનો ઈરાદો કર્યો, પરંતુ એ પાદરીઓની સત્તા નીચેના, દરિદ્રતાથી પીડાતા અને દુર્દશા પ્રાપ્ત પ્રજાતંત્ર રાજ્ય ઓસ્ટ્રિયાના આધિપત્યથી મુક્ત થયું નહોતું. એટલા માટે ગેરિબાલ્ડી અને તેમના સૈનિકો જ્યાંસુધી હથિયાર છોડી ન દે ત્યાંસુધી એ પ્રજાસત્તાક રાજ્ય એમને આશ્રય આપવાને તૈયાર નહોતું. ગેરિબાલ્ડી તથા તેમના સૈનિકો આવું અપમાનજનક આત્મસમર્પણ કરવાને રાજી નહોતા. ગેરિબાલ્ડીએ ફક્ત સાઠ સાથીઓને રાખી બાકીના સૈનિકોને યુદ્ધભૂમિના નિયમથી મુક્ત કરી દીધા. એ બધા સિપાઇઓ પોતપોતાના આત્મરક્ષણને માટે ચારે તરફ ભટકવા લાગ્યા. એ સાઠ સાથીઓને સાથે લઈને ગેરિબાલ્ડી એડ્રિયાટિક ઉપસાગરના કિનારે સિસેનાટિકો બંદર પહોંચ્યા અને ત્યાં નાના નાના મછવાઓ પકડીને એમાં બેસીને વેનિસની યાત્રા કરી.

અનુકૂળ પવન આવતાં મછવાઓ તીરની ગતિથી વેનિસની તરફ જવા લાગ્યા, કેટલાક સમય સુધી સૌભાગ્યદેવી મુસાફરો ઉપર વિશેષ પ્રકારે પ્રસન્ન હતી, પરંતુ એની એ પ્રસન્નતા ચિરસ્થાયી નહોતી. વેનિસથી બાવીસ માઇલ ઉપર જ્યારે એ વહાણો પહોંચ્યાં ત્યારે મિસોલી નામના મંદિરમાં લંગર નાખી પડેલા ઓસ્ટ્રિયન નૌકાસૈન્યની દૃષ્ટિ તેમના ઉપર પડી. નજર પડતાંજ તેણે એ વહાણો ઉપર ચઢાઈ કરી અને તેમનામાંથી નવને પકડીને લઈ ગયા. બાકીનાં છ વહાણ કિનારા સુધી પહોંચી ગયાં. એ છમાંથી એકમાં ગેરિબાલ્ડી, એનિટા, યુગોવેસી, સિસેરો અને ડેયિયા તથા તેના બંને પુત્રો હતા. કિનારે પહોંચતાંજ મુસાફરો પોતાની પૂંઠ પકડનારા ઓસ્ટ્રિયનોથી બચવા સારૂ ચારે તરફ નાસવા લાગ્યા. હતભાગી સિસેરો, ડેયિયા અને તેના બંને પુત્રો તથા યુગોવેસી શત્રુઓના હાથમાં સપડાયા અને એમની ગોળીથી માર્યા ગયા. ગેરિબાલ્ડી તથા એનિટા રોમોનાની તરફ નાસી ગયાં. ત્યાં એમના ઘણા મિત્રો એમને મદદ આપી શકે એમ હતું, પરંતુ એનિટા પહેલેથીજ પીડા પામી રહી હતી અને હવે એની પીડા દિવસે દિવસે વધતી જતી હતી. અત્યંત સખત તાપ વેઠવાથી એનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. એની મુખાકૃતિ જોતાંજ જણાતું હતું કે, એનું મૃત્યુ નિકટ છે. એટલે બીજો કાંઈ ઉપાય ન દેખાતાં