આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
પરિશિષ્ટ

પુષ્ટ, કપાળ વિશાળ અને હાથપગ દૃઢ થયા. ટુંકામાં તે એક પરમ રૂપવતી સ્ત્રીતરીકે પ્રખ્યાત થઈ અને સુંદર સુમિષ્ટ સ્વભાવવડે સર્વાની પ્રશંસા તથા પ્રીતિ મેળવવા લાગી. તેનું બહારનું રૂપ જોઈને, તેની સાથે વાતચીત કરીને તથા તેની સહૃદયતા અને પરમાર્થ પર પ્રીતિ જોઈ સૌ તેનાં વખાણ કરતાં. ગરીબોના દુઃખનિવારણ માટે સ્વાર્થ ત્યાગ અને મહેનતથી પણ જે પારકાને સુખી ન કરી શકે તો તેનું ચિત્ત શાંત થતું નહોતું. દોરાએ આ સર્વ સદ્‌ગુણ એકત્ર કરી સંસારમાં પ્રવેશ કર્યો.

ર – સંસારપ્રવેશ (૧૮૬૧–૧૮૬૬)

વીસ વર્ષ પછી પણ દોરાને કામ નહિ સૂઝવાથી લાચારીથી બીજાં નવ વર્ષ તેણે પોતાના પિયરમાં જઇ હક્ષાયેલમાં ગાળ્યાં. તેથી ૨૦ થી ૨૯ વર્ષ સુધી તેના જીવનમાં કાંઇ નવીન બનાવ બન્યા નથી. આ લાંબા સમય સુધી દોરા ગામમાં રહી શારીરિક શ્રમમાં તથા રમતગમતમાં ગુજારવા લાગી; પણ હવે તે જીવનના માર્ગપર પગ મકવા ઘણી આતર થઈ. તેનું મન આવી અસ્થિર સ્થિતિમાં હતું તેવામાં એક દિવસે તેણે સાંભળ્યું કે, ક્રીમિયાની લડાઈના મેદાનમાં જખમી થયેલા સિપાઈઓની સેવાચાકરી કરવામાં કુમારી નાઇટિંગેલ જોડાઈ છે. આ ખબર સાંભળતાંજ દોરાનું નિર્ભય ચિત્ત સાહસથી ઉછળી રહ્યું. કુમારી નાઇટિંગેલના હાથ નીચે રહી જખમી થયેલા સિપાઇઓની ચાકરી કરવા તે તૈચાર થઈ. પિતાની આગળ તેણે આ મનસુબો જણાવ્યો; અને રજા આપે એ માટે નમ્રભાવે વિનંતિ કરી. પરંતુ દીર્ઘદર્શી પિતાએ પુત્રીનો આ સંકલ્પ છોડી દેવડાવ્યો. તેણે કહ્યું કે, ભયાનક લડાઇના મેદાનમાં જઇને જખમીઓની સેવા કરવાનું કામ એ બાબતનો અનુભવ તથા જ્ઞાન હોય તોજ થઈ શકે. દોરામાં એ કાંઇજ નહોતું. તેથી કાર્યક્ષેત્રમાં જઈને તું બીજી સ્ત્રીઓને મદદ આપવાને બદલે ઉલટી આપદાકારક થઈ પડવા સંભવ છે. બહેન ! એવું ભારે કામ માથે લેવાને હજી તારે વાર છે. તારી મરજી હશે તો ઘરમાં રહી પુષ્કળ સારાં કામ કરી શકાશે. પિતાના આ નકારનો જવાબ દોરા આપી શકી નહિ. મનમાં ને મનમાં તે ઘણો ક્લેશ પામવા લાગી. હાલમાં તેની મા હંમેશાં માંદી રહેતી. દોરા અને તેની બહેનો ખરા દિલથી તેની સેવા કરતી.

કેટલાક દિવસ પછી માતા ગુજરી જતાં દોરા ઘણી દુઃખી થઈ.