આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
સાધ્વી રાબેયા

પાસેથી જે દુઃખ ભોગવ્યું છે તેને માટે એથી પણ વધારે ધન્યવાદ છે. કેમકે તારી એવી સહાયથી જ હું જગતના સ્વામીને ઓળખી શકી છું. હે જગદીશ્વર ! એથી વધારે તારી પાસેથી હું બીજા કયા સુખની ઈચ્છા રાખું ?”

“હે પ્રભુ ! શામાટે તમે જગતને દુઃખી કરીને દુનિયામાં તમારી નિંદા કરાવો છો ? તમારી નિંદા મારાથી સહન નથી થતી. સમુદ્રમાં જેમ બધી નદીઓ આવીને મળે છે, તેમ આખા જગતનું દુ:ખ આવીને મારામાં પડો. હું દુર્બળ છતાં પણ તમારૂં નામ લઈને એ બધું સહન કરીશ.”

ત્યારપછી પોતાના માલિક અને બીજા દાસદાસીઓના કલ્યાણને માટે પ્રાર્થના કરીને તથા જાણ્યે-અજાણ્યે તેમણે આપેલાં દુઃખો માટે માફી આપવાની પ્રભુને વિનતિ કરીને રાબેયા નિદ્રાવશ થઈ.

પોતે જેને આટલું બધું કષ્ટ દીધું છે, તે દાસીએ આજે પોતાના કલ્યાણને સારૂ પ્રાર્થના કરીને ઈશ્વર પ્રેમનો અદ્ભુત પરિચય આપ્યો છે. અહા ! આજે આ દીન દાસીએ કેવા અવનવા ભાવની અને તદ્દન અવનવા જીવનની અને ઝાંખી કરાવી ! એવા એવા તરંગો રાબેયાના શેઠના મનમાં ઉઠવા લાગ્યા અને તે રાબેયાના ઉચ્ચ વિચાર તથા ઉમદા ભાવોને પેાતાના હૃદયમાં ઠસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આખી રાત્રિ એમ ને એમ ચાલી ગઈ. બીજો દિવસ પણ ચિંતામાં ને ચિંતામાં ખાધાપીધા વગર ગાળ્યો. ઘોર રાત્રિએ પાછો એ મધુર સ્વરથી ખેંચાઈને રાબેયાનો શેઠ તેની એારડીના બારણા આગળ જઈ ઉભો. એ વખતે પણ રાબેયા ઉપાસના કરવામાં નિમગ્ન હતી.

“અહા ! કયો અભાગીઓ આખી રાત્રિ ઘરની બહાર ગાળી રહ્યો છે ? અલ્યા તું કોણ આ બંધ કમાડ આગળ ઉભો રહીને ખેદ કર્યા કરે છે ? તારી આંખોમાં આંસુ કેમ નથી ? તારા હૃદયમાં આગ શેની સળગી રહી છે? હે દુ:ખિયા ! તારું હૈયું બળી ગયું એટલે તારાં નેત્રમાં જળ ન રહ્યું ? હે તરસ્યા, હે ધૂળમાં આળોટેલા, હે ભિખારી ! તું ઘણો દુઃખી છે. આવ મારા દુઃખીઆરા ભાઈ ! મારા હૃદયમાં આવ, તારા હૃદયનો તાપ મને આપ, મારા નયનનાં આંસુડાં હું તને આપીશ. હે તરસ્યા ! એક વાર મન મૂકીને રોઈ જો અને પછી જો કે, તને કેટલી શાંતિ મળે છે ! તું દુઃખીમાં દુઃખી છે છતાં એક પણ દિવસ ધરાઇને રોઈ શક્યો નથી ! આવ,