આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
પરિશિષ્ટ

આનંદ દર્શાવતા ત્યારે બીજી બાજુ ભગિની દોરાને આવા ભયંકર કામમાં હાથ નાખતી જોઇ તેના પ્રાણ જવાનો સંભવ જાણી ચિંતાતુર થયા; પણ આ સમય ચિંતાતુર થઈ બેસી રહેવાનો નહોતો.

આખરે બહેન દોરાને શીતળાના આશ્રમમાં મોકલવાનું નક્કી ઠર્યું; પણ વાલ્સલની હૉસ્પિટલમાં શો બંદોબસ્ત કરવો તેની ચિંતા કરવા લાગ્યા. ત્યાં જે ત્રણ છાત્રાઓ હતી તેમાંથી એકને તેની જગ્યાએ નીમી. આ વખતે રોગી આશ્રમમાં પણ ઘણા ભારે રોગવાળા રોગીઓ હતા. અન્ય કોઈ કારણ હોત તો દોરા તે આશ્રમ છોડી ખસત નહિ; પણ તેણે વિચાર કર્યો કે, રોગીઆશ્રમનું કામ તો કદાચ કોઈ વૈદ્ય ચલાવી શકશે, પણ શીતળાના રોગને માટે સેવા કરનાર મળવા દુર્લભ છે. વળી તે ધારતી હતી કે, જો હું જાંઉ તો મારું નામ સાંભળીનેજ લોકો માંહમાંહે રોગ છુપાવવાને બદલે એ આશ્રમમાં આવશે. અને જો હું જઇશ નહિ તો ભલે મ્યુનીસિપાલીટીના કારભારીઓ આખા ઇંગ્લઁડની દાઈઓ એકઠી કરે કે ભલે રોગીઓને પૈસાની લાલચ બતાવવામાં આવે તો પણ કોઈ રોગી શીતળાના આશ્રમમાં જશે નહિ. દોરાનું આ ધારવું ખરૂંજ હતું. જ્યારે લેાકોમાં ખબર ફેલાઈ કે, દોરા શીતળાના રોગીની સેવા કરવા જાય છે ત્યારે નાનાંમોટાં સૌ કોઈ આનંદ પામ્યાં.

દોરા જે બોલતી તે કરતીજ. તે એકદમ વાલ્સલનો રોગીઆશ્રમ છોડી શીતળા માટેના નવા આશ્રમમાં ગઈ. જૂના આશ્રમના રોગીઓને માટે તે કાંઈ સારો બંદોબસ્ત કરી શકી નહિ; કારણ કે તે જાણતી હતી કે, ગમે તેવો બંદોબસ્ત કરવામાં આવશે પણ હું જઈશ એટલે કોઈ પણ સારી પેઠે કામ ચલાવી શકશે નહિ. આવું ધારી જેમ થવાનું હોય તેમ થશે એવું સમજી નવા આશ્રમમાં આવી હતી; પણ મનમાં તેને શંકા રહેતી કે, રખેને કદાચ મારે પાછું તો નહિ ફરવું પડે.

દોરા શીતળાના રોગીની હૉસ્પિટલમાં જઈ જુએ છે તો ત્યાંનો દેખાવ ઘણો ભયાનક હતો. રોગીનું આખું શરીર સડીને ચારે બાજુએ દુર્ગંધ ફેલાતી. આ દેખાવ જોઈ કોનું શરીર ન કંપે ? નવા આશ્રમમાં આવા રોગી જોતાંજ એક મુર્હૂતને માટે તો દોરાની હિંમત જતી રહી. તે બોલી “હું પોતેજ ખુશીથી આ આશ્રમમાં સેવાર્થે આવી તો ખરી, પણ આ ભયાનક સ્થળે શી રીતે રહી શકીશ ?”