આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
સાધ્વી બહેન દોરા

રેખા પડી હોય એમ જણાતુ. પોતે ત્યાં પ્રાણ વિસર્જન કરી શકી નહિ તે માટેજ જાણે તેને ખેદ થતો હોય એમ જણાતું. તે બોલી કે “શું હું પ્રભુના કાર્ય માં પ્રાણ આપવા યોગ્ય નથી ?” જેઓ ઈશ્વરપર ખરો વિશ્વાસ રાખે છે તેમનો ભાવ આવો જ હોય છે.

એક વાર તેના એક મિત્રે તેને પૂછયું કે “સ્ત્રીઓએ પોતાના જીવનમાં કેવાં કાર્યો કરવાં જોઈએ અને કયો માર્ગ લેવો જોઈએ ?” દોરાએ જવાબ દીધો પતિવ્રતા સાધ્વી સ્ત્રીઓએ ગૃહની લક્ષ્મીસ્વરૂપ થઈ બાળકોનું પાલનપોષણ કરવું, અતિથિ-અભ્યાગત અને પડોશીનું યથાશક્તિ કલ્યાણ કરવું એજ સુંદર માર્ગ છે. સ્ત્રીઓ ઘણું કરીને આખો દિવસ નિંદા, વૃથા કુથલી તથા ગડબડમાં ગુજારે છે. મનુષ્યજીવનની કિંમત જાણીને જે જે કામ છે તે જો તેઓ કરે તો સંસારસાગર કોઈ પણ રીતે દુસ્તર નથી.” તેણે પોતાના સંબંધમાં કહ્યું કે “પરમેશ્વરે પોતાની અયોગ્ય કન્યાને દયા કરી પોતાનાં પીડિત અને આતુર છોકરાંની સેવા કરવાનો જે અધિકાર આપ્યો છે તેને માટે હું સર્વદા તેની કૃતજ્ઞ રહીશ. હું જ્યારે પીડિત અને દુઃખી નરનારીના શરીરને સ્પર્શ કરૂં છું ત્યારે મારા મનમાં એમ થાય છે કે, જાણે તેમના શરીરમાંથી મૂર્તિમાન ધર્મ બહાર નીકળતો હું જોતી હોઉં. મારા શરીર માટે સ્નાન, આહા૨ અને નિદ્રામાં જે વખત જાય છે તે પણ મને ગમતું નથી. મારે કરવા જેવું એટલું બધું કામ છે કે જો હું એકની દશરૂપે થઈ શકત તો બહુજ સારૂં થાત. હું વિચાર કરૂં છું તો મારામાં ધાર્મિક યોગ્યતા કરતાં અયોગ્યતા બહુ વધારે જણાય છે; અને તેથીજ મારાથી જોઈયે તેવું અને તેટલું કામ થઇ શકતું નથી. જો હું પૂરતી શ્રદ્ધાળુ અને પ્રાર્થનાપરાયણ હોત તો સંસારમાં અસાધ્ય દરદોને પણ સાધ્ય કરી શકત. મારી એ અયોગ્યતાને લીધે મારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે.

વાલ્સલ નગરમાં એક વાર ધર્મપ્રચાર કરવાની સભા સ્થાપના થઈ હતી. ભગિની દોરા તે સભામાં સામેલ થઈ હતી. એક વાર મુખ્ય પાદરીએ ત્યાં એકઠાં થયેલાં લોકાને વિનતિ કરી કે, અઠવાડિયામાં જે પ્રાર્થના થાય છે તેમાં આવવાને અન્ય માણસોને સમજાવવામાં આવે તો ઘણા જણ એકત્ર થઈ શકે. એ સાંભળી દોરાના મનમાં એવો ઉત્સાહ આવ્યો કે બીજે જ દિવસે રસ્તે જતા લોકોને ત્યાં લાવવાસારૂ તે ઉભી રહી.