આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
સાધ્વી રાબેયા

રાબેયાના નિષ્કામપણા માટે અબુલ્ કાસમ અલ્ કુશાયરી કહે છે કે, એ ઈશ્વરમાં ચિત્ત પરોવી દરરોજ કહેતી કે “અલ્લાહ ! જે ચિત્ત કોઈ પણ દુનિયાઈ ફાયદાની આશાથી તને ચાહતું હોય તે ચિત્તને તું બાળીને ખાક કરી નાખજે.”

એક દિવસ સોફિયા-અસ-સૌરીએ રાબેયાની આગળ જઈને એવા શબ્દો કાઢ્યા કે, હાય ! મારે કેટલું બધું દુઃખ છે ? રાબેયાએ તેને કહ્યુ “એવું જૂઠું બોલીશ નહિ. ઉલટું એમ કહેવું જોઈએ કે મારી નાલાયકી જોતાં મારે કેટલું થોડું દુઃખ છે ! તું જો ખરેખરી દુ:ખી હોત તો ગમે તેટલા ઉંડા નિસાસા નાખ્યા છતાં તને જરા પણ શાંતિ મળત નહિ.”

રાબેયા ઘણી વખત કહેતી કે “મારા જે કામકાજની લોકોમાં વાહવાહ થાય છે તે કામકાજને તો હું ઘણું જ તુરછ ગણું છુ.” એ બધાને એવોજ ઉપદેશ આપતી કે “ જેવી રીતે તમે પાપને છુપાવો છો, તેવી જ રીતે સારાં કામો પણ છુપાં રાખજો.”

અવારિફ-અલ્-મારિફ નામના ગ્રંથમાં શેખ સાહેબુદ્દિન અસ-સૂહાવરદીએ રાબેયાની વાણીનો એક સંગ્રહ કર્યો છે તેમાં એક વચન એવું છે કેઃ- “હે પ્રભુ ! મારા ચિત્તને તો તેં તારાજ સ્મરણચિંતન સારૂ અલગ રાખ્યું છે. એટલે હવે જેઓ મારા સત્સંગની ઈચ્છા રાખતા હોય તેમને સારૂ મારો દેહ છે. મારા અંતરનો સાથી તો મારો પ્રીતમજ છે.” આથી રાબેયાનો ઈશ્વર ઉપર કેવો નિરંતરનો પ્રેમ હતો તે જણાઈ આવે છે.

રાબેયા રિવાજ મુજબની ઉપલકિયા પ્રાર્થના કરવાની વિરુદ્ધ હતી અને મનના ખરા ઉમળકાથી ઈશ્વરનું સ્મરણપૂજન કરતી હતી. બંદગી કરતી વખતે તે કહેતી કે “હે પ્રભુ ! તારી ખાતર હું જગતની દિવાલો તોડીને આવી છું. પાછી એવી બાહ્ય ઉપાસનાની દિવાલોમાં ન ફસાઈ પડું એમ કરજો. એ દિવાલો તોડવી ઘણી વસમી છે; પણ પ્રભુ ! એ તોડ્યાથી સુખ પણ ઘણું છે.”

રાબેયાની કબર જેરૂસલેમના પૂર્વભાગમાં જેબેલ–એત-તૌર (ઓલાઈવના પહાડ) ઉપર આજ પણ મોજુદ છે. એ સ્થાન હવે તીર્થ બની ગયું છે. એ જગ્યાએ દરવર્ષે ઘણા ભક્તોનો મેળો ભરાય છે. ઉમ-અલ-ખૈર રાબેયા એટલે કે મંગલકારી-માતા રાબેયા હજી પણ અનેક ભક્તોને હાથે પૂજાય છે.

મુસ્લીમ સાધુ ફરીદુદ્દીન અતારે ‘તઝકરાત-ઉલ-ઔલિયા’