આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ક્રોધમાં ને ક્રોધમાં તે ત્યાંથી ચાલી ગઇ.

હું પણ તેની પછવાડે જવા નીકળ્યો. જતાં જતાં પાદરીનાં વેણ મારે કાને અથડાયાં :–

“હા ! રાક્ષસને પણ અધિકાર છે. જોન ! તું સાચી, હું જુઠ્ઠો ! પ્રભો ! પ્રભો ! દયા કર. દોષ મારોજ છે. ”

(૪)

બાલ્યાવસ્થાના દિવસો અજબ પ્રકારના સૌંદર્યથી ભરપૂર હોય છે. પછી ભલે તે રંક હો કે રાજા હો. કુદરત રાજા કે રંકની ગણના કરતી નથી. તેને મન તો બધાં પ્રભુનાંજ બાળકો છે. બાલ્યાવસ્થામાં સર્વને આનંદ મળે છે, એવો અમને પણ મળ્યો હતો. ઉનાળામાં અમે બકરાં અને ઘેટાંને ટેકરીઓમાં ચારવા જતાં. શિયાળામાં અમને વધારે અવકાશ મળતો, અને ઘેર રહી લીલાલહેર કરતાં. અરે ! તે દિવસો કેવા નિર્દોષ હતા . અમે જોનને ઘેર એકઠાં થતાં, રમતાં અને ગાતાં. કોઈ કોઈ વાર તો મોડી રાત્રિ સુધી બેસીને ભૂતકાળની જૂની વાર્તાઓ અને ઈતિહાસ સાંભળતાં, અને કોઇ કોઇ વાર ગપ્પે ચઢી જતાં.

શિયાળાની રાત્રિ હતી. અમે બધાં મિત્રો સાથે હતાં. બહાર મોટું તોફાન ગાજતું હતું. ઠંડો-અતિશય ઠંડો પવન સૂસવાટા મારી કેર વર્તાવતો હતો. મને આથી બહુજ આનંદ મળતો. પવન પૂરજોસમાં ફૂંકાતો હોય, અને તોફાન બરોબર જામ્યું હોય ત્યારે જો આપણે ઘરમાં શાંતિથી બેઠાં હોઈએ, તો ભારે મઝા આવે. સગડી ધીમે ધીમે બરાબર જામી હતી, અને છાપરાં ઉપર ટપટ૫ કરા પડતા હતા. દસેક વાગ્યા હશે. અમે વાળું કરી લીધું હતું. હવે અમે આનંદ કરતાં હતાં અને ગાતાં હતાં. સાથે સાથે થોડોક ફળાહાર પણ કરતાં હતાં.

જોન એક પેટી ઉપર જૂદી બેઠી હતી. આસપાસ તેનાં પાળેલાં પ્રાણીઓ રમતાં હતાં. બીજા ઘરની બિલાડીઓ પણ જોનને ત્યાં આવતી. ઘર વગરનું નિરાધાર રખડતું રખડતું પ્રાણી પછી ભલે તે ગમે તે પ્રકારનું હોય, તે પણ જોન પાસે આવતું તો તેનો સત્કાર થતો; એટલું જ નહિ પણ તેને ખાવાનું પણ મળતું. પક્ષીઓ પણ જોનથી બીતાં નહોતાં. તે તેમની સારી રીતે સેવાચાકરી કરતી; કારણ કે પ્રાણી તેને મન પ્રાણી હતું, અને તે પ્રાણી હતું તેથી તેને પ્રિયહતું. તે ગમે તે પ્રકારનું હાય. તે તેમને પાંજરામાં પૂરતી નહિ,